સુરતના સરથાણા યોગી ચોક પાસે AAPના નેતા અલ્પેશ કથીરિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા અજય શીરોયા નામનો યુવક સભા પાસેથી પસાર થતાં તેનું વાહન ‘આપ’ના એક કાર્યકર સાથે અથડાતા બોલાચાલી થઈ હતી, બોલાચાલી થતાં સભામાં હાજર આપના અન્ય કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી અને સભામાં ખુરશીઓ ઉછળતી જોવા મળી હતી. ‘આપ’ની સભાની નજીક ભાજપના કામરેજ વિધાનસભાના ઉમેદવારનું કાર્યાલય આવેલું હોય ત્યાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જોકે પોલીસે આ મામલે એક શખ્સની અટકાયત કરતા મામલો તંગ બન્યો હતો.
ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે-સામે આવી જતાં પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારો થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ અનેક ગાડીઓમાં તોડફોડ થઈ હતી.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દાડી ગયો હતો. બાદમાં પોલીસે વિસ્તારને કોર્ડન કરીને મામલો થાળે પાડ્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદાબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.