2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણસિગુ ફૂંકાઈ ગયું છે. ત્યારે અલગ અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ ગયું છે ત્યારે કડીમાં ભાજપ દ્વારા રીપીટ કરાયેલા કરસન સોલંકીએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

આજે બુધવારે કરશન સોલંકીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કડીના કમળ સર્કલ ખાતે મધ્યસ્થ કાર્યાલયથી રેલી સ્વરૂપે કરણનગર રોડ ઉપર આવેલા સેવાસદન પ્રાંત કચેરી ખાતે કાર્યકર્તાઓ તેમજ આગેવાનો સાથે કરસન સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. કડી ભાજપના ઉમેદવાર કરસન સોલંકી નગરાસણ ગામના વતની છે અને કરણ નગર રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર ખાતે દર્શન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતાં.

કરસન સોલંકીએ ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે-સાથે મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદ પટેલ, APMC ચેરમેન રાજુ પટેલ, મહેસાણા સાંસદ શારદા પટેલ, કડી ભાજપ શહેર પ્રમુખ જશુ પટેલ, તાલુકા પ્રમુખ અશ્વિન પટેલ પાલિકા પ્રમુખ ભરત પટેલ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.