ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે શનિવારે કલોલના કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મતદારોને રિઝવવા માટે સભા યોજી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વિના કહ્યું હતું કે, 'ચાણક્યને દિલ્હીથી વિમાનમાં આવતાં ચાર કલાક લાગશે પણ માટે અંબિકાથી આવતાં 4 મિનિટ જ લાગશે' તેમ કહીને પોતાને મત આપવા સમર્થન માંગ્યું હતું.

રાજ્યમાં આગામી 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાનું મતદાન યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે મતદારોને રિઝવવા માટે તમામ પાર્ટીના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટાભાગના નામ જાહેર થઇ ગયા છે. જોકે, કેટલાક નામો માટે હજુ મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરે તે પહેલાં જ સીટિંગ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સભા ગજવીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

જાહેર મંચ પરથી બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, ચાણક્યને દિલ્હીથી વિમાનમાં આવતાં ચાર કલાક લાગશે પણ મારે અંબિકાથી આવતાં માત્ર ચાર મિનિટ જ લાગશે. આ વખતે મારી છેલ્લી ચૂંટણી છે. તમે કલેક્ટર કચેરીથી માંડીને કોઇપણ સરકારી ઓફિસમાં જાઓ અને મારૂ નામ લો એટલે કામ થઇ જ જાય બળદેવજી કા નામ કાફી હૈ. આ ઉપરાંત બળદેવજી ઠાકોરે ભાજપનું નામ લીધા વગર અનેક આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે. પછી મહેસાણાથી લોકસભા લડવાની છે.

કલોલ વિધાનસભા બેઠક પર કોગ્રેસ પક્ષનો દબદબો છે. વર્ષ 1990થી ભાજપે ત્રણ અને કોંગ્રેસે ચાર વખત જીત હાંસલ કરી છે. ગત વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે બળદેવજી ઠાકોરને ટિકિટ આપી હતી અને ભાજપે ડૉ.અતુલ પટેલને મેદાને ઉતાર્યા હતા, પરંતુ જાતિગત સમીકરણના આધારે આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો વિજય થયો હતો. કલોલ વિધાનસભાના જાતિ સમીકરણ પર નજર કરીએ તો આ બેઠક પર ઠાકોર સમાજનું ખૂબ પ્રભુત્વ જોવા મળ્યું છે. આ બેઠક પર અંદાજિત 17થી 20 ટકા ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. તે પછી પાટીદાર, બ્રાહ્મણ, મુસ્લિમ તેમજ અન્ય સમાજ નું પણ અસ્તિત્ત્વ છે. કલોલ બેઠકમાં કલોલ શહેર સહિત 70 જેટલા નાના મોટા ગામડાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કલોલ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હોવાથી ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી આ બેઠક ભાજપને મળે તે માટે પ્રયત્નશીલ છે. કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભા સાંસદ પણ અમિત શાહ છે.