2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંઘુ ફૂંકાઈ ચૂક્યું છે. અલગ-અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે આજે કડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચારની શરુઆત કરી દેવામાં આવી હતી. જેમાં કડીના તીનબત્તી જૂની મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ વિવિધ કાર્યકર્તાઓ આ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી.
કડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારની શરુઆત કરી દેવામાં આવી હતી. જેમાં આજે કડીના જૂની મામલતદાર કચેરી ખાતે જાહેરસભા યોજાઈ હતી. જેમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર આકરા પાણીએ જોવા મળ્યાં હતાં અને પોતાની આગવી છટામાં જાહેરસભાને સંબોધી હતી. બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે,'કડીમાં કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ પ્રવિણ પરમાર 8 હજાર મતે ના જીતે, તો રાજકારણ છોડી દેવાની તૈયારી મારી'.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઘરડો માણસ થાય એટલે તેને પાંજરાપોળે મૂકી આવવાની કામગીરી કરવાનું કાર્ય ભાજપે કર્યું છે જ્યારે કોંગ્રેસવાળા આવું કરતાં નથી. મને આજે સવારે એક ભાઈએ ફોન કર્યો હતો કે, અહીં ના આવતા અહીં પથ્થરમારો થવાનો છે. એટલા માટે જ હું અહીં આવ્યો છું. મને ચિંતા તો આપણાવાળાની હોય છે. આપણાજ આપણી સામે આવે ત્યારે તો, લડવાની મજા નથી આવતી, પરંતુ કોઈ બીજો આપણી સામે લડવા માટે આવે તો ભુક્કા બોલાવી દઈએ.
બળદેવજી ઠાકોરે પોતાની આગવી છટામાં ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે, કડી અને છત્રાલ જીઆઈડીસી ભાજપ દ્વારા ઊભી કરવામાં આવી નથી. તે જીઆઇડીસી કોંગ્રેસના શાસનમાં થઈ છે, પરંતુ તે જીઆઈડીસીમાં કારખાના બંધ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. કોંગ્રેસની આ જાહેરસભામાં ઉમેદવાર પ્રવીણ પરમાર તેમજ વિવિધ હોદ્દેદારો અને કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.