*મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર*
*c-VIGIL ઍપ અને અન્ય સરળ માધ્યમોને કારણે સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે સારી સજાગતા : શ્રીમતી પી. ભારતી*
......................
*ઈ.વી.એમ.-વી.વી.પેટના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ : ઉમેદવારોની યાદી આખરી થયા પછી સેકન્ડ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે*
......................
*રાજ્યમાં 114 જનરલ ઓબ્ઝર્વર્સ, 36 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 69 ખર્ચ ઓબ્ઝર્વર્સ*
........................
*અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગની એકપણ ગંભીર ફરિયાદ નથી આવી : રૂ.7,188 લાખની જપ્તી : 611 ફ્લાઈંગ સ્કૉડ અને 802 સ્ટેટીક સરવે ટીમ કાર્યરત*
..........................
*સરકારી ઈમારતો પરથી 2,28,911 અને ખાનગી મિલકતો પરથી 44,233 પોસ્ટર્સ, બેનર્સ દૂર કરાયા*
..............................
*ગુજરાતમાં ચૂંટણીમાં સૌપ્રથમ વખત ચૅટબૉટનો ઉપયોગ : કોઈપણ વ્યક્તિ ઑટોમેટેડ ચૅટથી તમામ માહિતી મેળવી શકશે*
..........................
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના બન્ને તબક્કાના મતદાન માટેની ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. બન્ને તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી આયોજનબદ્ધ રીતે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગની એક પણ ગંભીર ફરિયાદ આવી નથી. એટલું જ નહીં, c-VIGIL મોબાઇલ એપ જેવા સરળ અને હાથવગા માધ્યમો હોવાથી સામાન્ય નાગરિકોમાં પણ આદર્શ આચાર સંહિતાના પાલન પ્રત્યે સારી સજાગતા જોવા મળી છે. મતદાન જાગૃતિ માટેના અમારા પ્રયત્નોને પણ સમાજના તમામ વર્ગોમાંથી પ્રોત્સાહક પ્રતિભાવ મળી રહ્યો છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.
આ પત્રકાર પરિષદમાં ગુજરાત પોલીસના એ.ડી.જી. (કાયદો અને વ્યવસ્થા) તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર શ્રી નરસિમ્હા કોમર, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક પટેલ તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અજય ભટ્ટ અને માહિતી નિયામક શ્રી આર.કે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
*ઈ.વી.એમ.- વી.વી.પેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પૂર્ણઃ*
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં ઈ.વી.એમ. અને વી.વી.પેટના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં આ કામગીરી પૂર્ણ કર્યા પછી ઈ.વી.એમ અને વી.વી.પેટ મશીનો જે –તે મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. તમામ મશીનોની યાદી પણ રાજકીય પક્ષોને આપવામાં આવી રહી છે. ભારતના
ચૂંટણી પંચની તમામ સુચનાઓના ચુસ્ત પાલન સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી ચોકસાઈપૂર્વક ચાલી રહી છે. હરિફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈ.વી.એમ અને વી.વી.પેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
*મતદાર ફોટો ઓળખકાર્ડ:*
મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે 12 ઓગસ્ટથી 09 ઑક્ટોબર દરમ્યાન 16,51,905 મતદાર ફોટો ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ EPIC પ્રિન્ટ થઈ ગયા છે અને મતદારોને પોસ્ટ ઑફિસ મારફતે સ્પીડ પોસ્ટ દ્વારા વિનામૂલ્યે પહોંચતા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
*વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઃ*
80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ-19 પ્રભાવિત કે શંકાસ્પદ કક્ષામાં સમાવિષ્ઠ મતદારો પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો મળીને 12,26,911 મતદારો નોંધાયા છે. દરેક જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સંભાળી રહેલાં કર્મચારીઓ આવા મતદારોની રૂબરૂ મુલાકાત લઈ રહ્યાં છે. અત્યારસુધીમાં 7,77,604 મતદારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. જે મતદારો મતદાન મથક સુધી જઈ શકે તેમ નથી તેવા મતદારો ફોર્મ 12-ડી ભરી રહ્યાં છે. અત્યારસુધીમાં આવા 4,93,310 મતદારોને ફોર્મ-12 ડી આપવામાં આવ્યું છે.
*ઓબ્ઝર્વર્સઃ*
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સુચારૂ સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય એટલુ જ નહિં, ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ તબક્કાનું મતદાન જ્યાં થવાનું છે તે વિસ્તારો માટે 58 જનરલ ઓબ્ઝર્વર્સ, 21 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 36 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામા આવી છે જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે વિસ્તારો માટે 56 જનરલ ઓબ્ઝર્વર્સ, 15 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 33 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 114 જનરલ ઓબ્ઝર્વર્સ, 36 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 69 ખર્ચ ઓબ્ઝર્વર્સ ફરજ બજાવી રહ્યા છે.
*ખર્ચ દેખરેખ નિયંત્રણ:*
ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 611 ફ્લાઈંગ સ્કૉડ અને 802 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.7,188 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે, જેમાં રૂ.66 લાખની રોકડ, રૂ.385 લાખની કિંમતનો દારૂ, રૂ.94 લાખનું ડ્રગ્સ અને રૂ.187 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે રૂ.6,456 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન વગેરેનો સમાવેશ થાય છે.
*આચારસંહિતાનો અમલઃ*
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યારસુધીમાં સરકારી ઈમારતો અને સરકારી સંકુલો પરથી 2,28,981 અને ખાનગી મિલકતો કે સંકુલો પરથી 44,233 પોસ્ટર્સ, બેનર્સ કે જાહેરાતો દૂર કરવામાં આવ્યા છે. આટલા દિવસો દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગની કોઈ ગંભીર ફરિયાદ મળી નથી.
*c-VIGIL મોબાઈલ એપ્લિકેશન:*
શ્રીમતી પી. ભારતીએ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે
c-VIGIL મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને તે દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે.
c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા 583 ફરિયાદો મળી છે, તે પૈકી 362 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 221 ફરિયાદો સાચી જણાઈ ન હોવાથી તેને ડ્રોપ કરવામાં આવી છે.
*અન્ય ફરિયાદોઃ*
તેમણે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા છેલ્લા સપ્તાહમાં 1,323 ફરિયાદો મળી છે. તે પૈકી 1,172 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમના ફોન નંબર આપવામાં આવ્યા છે. આ માધ્યમ મારફતે અત્યાર સુધીમાં 44 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો પરથી 28 ફરિયાદો મળી છે. જે પૈકી 17 ફરિયાદનો નિકાલ થયો છે.
આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યારસુધીમાં 154 ફરિયાદો મળી છે. તે પૈકી 66 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારની કુલ 4,349 ફરિયાદો મળી છે, જેમાં EPICની 3,654 ફરિયાદો તથા મતદારયાદી અને આચારસંહિતા ભંગની 05 ફરિયાદો મળી છે. જેમાંથી 4,101 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
*એમ.સી.એમ.સી.-મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ*
ઈલેક્ટ્રોનિક મિડિયા, રેડિયો અને સોશિયલ મિડિયા પર પ્રચાર-પ્રસાર કરતાં પહેલાં રાજકીય પક્ષોએ રાજ્ય અને જિલ્લા કક્ષાની એમ.સી.એમ.સી. કમિટિ(મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ)ની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. મોટાભાગે રાજ્યકક્ષાની કમિટિ સમક્ષ જાહેરાતો પૂર્વ-પ્રમાણિત થવા માટે રજૂ થતી હોય છે.
અત્યારસુધીમાં રાજ્યકક્ષાની એમ.સી.એમ.સી. કમિટિની 10 બેઠકો મળી છે. ત્રણ મુખ્ય રાજકીય પક્ષો તરફથી આ કમિટિ સમક્ષ 955 ક્રિએટીવ્સ પૂર્વ પ્રમાણિત થવા માટે રજૂ કરાયા હતા. જેની યોગ્ય ચકાસણી કરીને જરૂર જણાય ત્યાં સુધારા કરવાનું સૂચન કરાય છે અને તત્પશ્ચાત તેને પ્રસારિત કરવા મંજૂરી આપવામાં આવે છે.
*અધિકારી અને કર્મચારીઓને ચૂંટણી સંચાલનની તાલીમઃ*
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંચાલનની પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારી અને કર્મચારીઓ ચૂંટણી સંચાલનની વૈધાનિક ફરજો, જવાબદારીઓ અને તે અંગેની કાયદાકીય બાબતોની સાથોસાથ ભારતના ચૂંટણી પંચની અદ્યતન સૂચનાઓથી વાકેફ રહી શકે તે હેતુથી ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ડેમોક્રસી એન્ડ ઈલેકશન મેનેજમેન્ટ, નવી દિલ્હી દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં રાજ્યકક્ષાના 48 માસ્ટર ટ્રેનર્સને આ ઈન્સ્ટીટ્યુટ દ્વારા તાલીમ આપવામાં આવી છે. જ્યારે જિલ્લાકક્ષાના 75 માસ્ટર ટ્રેનર્સને રાજ્યકક્ષાએથી તાલીમ આપવામાં આવી છે. રાજ્યકક્ષાએ 74 જેટલા પોલીસ માસ્ટર ટ્રેનર્સને સંબંધિત વિષયોની તાલીમ આપવામાં આવી છે. આ માસ્ટર ટ્રેનર્સ દ્વારા 76,594 જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, અત્યારે તાલીમ પ્લાન પ્રમાણે જિલ્લાકક્ષાએ ચૂંટણી મામલતદાર, નાયબ મામલતદાર, સેક્ટર ઑફિસર્સ, માઈક્રો ઓબ્ઝર્વર્સ, બુથ લેવલ ઑફિસર્સ, એમ.સી.સી.ટીમ, ઈ.ઈ.એમ. ટીમ, એમ.સી.એમ.સી. ટીમ વગેરેને તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લાકક્ષાએ ઈ.વી.એમ., વી.વી.પેટના પ્રથમ રેન્ડમાઈઝેશન પછી પોલીંગ સ્ટાફ, પ્રિસાઈડીંગ ઓફિસર્સ અને પોલીંગ ઓફિસર્સ વગેરેને તાલીમ આપવામાં આવશે.
*અવસર રથઃ*
રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકી 2022 મતદાન મથકોના વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નોના ભાગરૂપે અવસર રથ ફરી રહ્યો છે. તા.3 નવેમ્બર, 2022થી અવસર રથ ફરી રહ્યો છે. વલસાડ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને ભાવનગર જિલ્લામાં અવસર રથની યાત્રા સંપન્ન થઈ ગઈ છે. અત્યારે નવસારી, સુરત, વડોદરા, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં અવસર રથ દ્વારા મતદાન જાગૃતિના પ્રયત્નો ચાલી રહ્યા છે.
*ચૅટબોટઃ*
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે સૌપ્રથમ વખત અમે ચૅટબોટ તૈયાર કરી રહ્યા છીએ. આ ચૅટબોટ પર મતદારો અને ઉમેદવારો માટેની જરૂરી પ્રાથમિક માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ હશે. ચૅટબોટ એ એક મોબાઈલ નંબર 63571 47746 છે. આ નંબર પર કોલ કરીને કોઈપણ વ્યક્તિ ઓટોમેટેડ ચેટથી જરૂરી માહિતી મેળવી શકશે. ઉમેદવાર અંગેની વિગતો, મતદાર યાદી સંબંધિત પ્રશ્નો, આદર્શ આચારસંહિતાની માહિતી, મતદાન કરવા માટે કયા-કયા પુરાવા જરૂરી છે વગેરે પ્રકારની માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ હશે.
આ ચૅટબોટના ઉપયોગ દ્વારા લોકોને જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે એટલુ જ નહિ, મતદાન પ્રક્રિયા પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવાશે અને મતદાન માટે જાગૃતિ કેળવાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે આ ચૅટબોટ વિશેષ ઉપયોગી થશે.
*ઈ-શપથ અભિયાનઃ*
મતદારો મતદાન માટે સંકલ્પબદ્ધ બને તે હેતુથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈ-શપથ ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર મૂકવામાં આવેલી લિન્ક દ્વારા નાગરિકો મતદાન કરવાનો સંકલ્પ લઈ રહ્યા છે. એટલુ જ નહિં, અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરણા આપી રહ્યા છે. અત્યારસુધીમાં 5,40,652 મતદાતાઓએ ઈ-શપથ દ્વારા મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
*Know Your Candidate(KYC) મોબાઈલ એપ અને PwD એપઃ*
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, Know Your Candidate (KYC) એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ મોબાઈલ એપ પર તમામ ઉમેદવારોની તમામ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઉમેદવારોની એફિડેવિટ્સ અને ગુનાઈત માહિતી હશે તો તે પણ ઉપલબ્ધ કરાવાશે.
જ્યારે PwD-Personal with Disablility મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ઉપયોગી માહિતી મળી શકશે. દિવ્યાંગ મતદારો પોતાના ઉપયોગ માટે વ્હિલચેરની વિનંતી કરી શકશે.
*Voter Helpline Application (VHA)* પણ લોન્ચ કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન દ્વારા મતદારો પોતાનું નામ સર્ચ કરી શકે છે, ઉમેદવારો વિશે માહિતી મેળવી શકે છે, ફરિયાદ કરી શકે છે અને મતદાર યાદી સંબંધિત મદદ મેળવી શકે છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.