સુરતનાં હજીરાની કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ગોડાદરાના બાઈકસવાર આધેડને એસ. કે. ચાર રસ્તાથી ઓએનજીસી બ્રિજ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સિવિલના બિછાને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ બિહારના વતની રાજેશસિંગ નાગેન્દ્રસિંગ રાજપુત (ઉં. વ. 55) પરિવાર સાથે ગોડાદરા સ્થિત હનુમાન મંદિર સામે આવેલા ડી. કે. નગરમાં રહેતા હતા અને હજીરાની કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા. 3જીએ રાત્રીના તેઓ નોકરી પરથી બાઈક પર ઘરે આવવા નીકળ્યાં હતા. ત્યારે એસ. કે ચાર રસ્તાથી ઓએનજીસી બ્રિજ વચ્ચે પુરપાટ ઝડપે દોડી આવતા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં રાજેશસિંગને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં મંગળવારે સારવાર દરમિયાન સિવિલના બિછાને તેઓ મોતને ભેટ્યા હતા. બનાવ અંગે ડુમસ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.