વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આજે ભાજપે ઉમેદવારની પ્રથમ યાદી સત્તાવાર જાહેર કરી દીધી છે. જેમાં મહેસાણા જિલ્લાની વિધાનસભા સીટો પર 7 પૈકી 6 સીટોના ઉમેદવારના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે.ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જગ્યા પર ભાજપના મુકેશ પટેલને ટિકિટ આપતા મહેસાણા કમલમમાં કાર્યકરોએ મીઠાઈઓ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી.
મહત્વનું છે કે રાજનીતિમાં લાંબી રેસમાં અને પ્રથમ હરોળમાં રહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસાણાના ધારાસભ્ય રહેલા " કાકા" ના શબ્દોથી ઓળખાતા નીતિન પટેલ ચૂંટણી નહિ લડતા નાના કાર્યકરોને ભાજપે ચાન્સ આપતા ખુશીની લહેર છવાઈ છે. ત્યારે મહેસાણાના અગાઉ કોર્પોરેટર રહી ચૂકેલા પટેલ મુકેશભાઈને ભાજપે ટિકિટ આપતા મહેસાણા કમલમ ખાતે કાર્યકરો ઉમટી પડ્યા હતા. પંરતુ, મળતી માહિતી પ્રમાણે મહેસાણા વિધાનસભા સીટ પર પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલને ટિકિટ ન મળતા ક્યાંકને ક્યાંક દુઃખની લાગણી પણ કાર્યકરોમાં જોવા મળી રહી છે.
પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને પાટીદાર અનામત આંદોલ દરમિયાન 2017માં પાટીદાર ફેક્ટર વધુ નડતા તેઓની કારમી હાર થઈ હતી.બાદમાં થોડા માસથી રજની પટેલ બેચરાજી વિધાનસભા પર ફરી સક્રિય થતા ગામડાઓ ખુંદતા જોવા મળ્યા હતા અને ચૂંટણી લડવા માટે તેઓએ બેચરાજીથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ભાજપે તો બેચરાજી બેઠક પર અન્ય જ નામ વિચારી રાખ્યું હતું ત્યારે રજની પટેલને ટિકિટ આપવાને બદલે હવે ઠાકોર સમાજ માંથી આવતા સુખાજીને ભાજપે બેચરાજી વિધાનસભાથી ટિકિટ આપી છે. ત્યારે હવે બેચરાજીમાં પણ ઠાકોર- ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કારણ કે હાલમાં બેચરાજીના કોંગ્રેસ ધારાસભ્ય પણ ઠાકોર સમાજથી આવે છે. ત્યારે ભાજપે પણ તેઓની સામે ઠાકોર સમાજના જ ચહેરાને મેદાને ઉતારતા આગામી ચૂંટણી રસપ્રદ બનશે.