મહેસાણા તાલુકાના પાંચોટ આનંદ પુરા માર્ગ પર ચાલવાં નીકળેલા યુવકના ગળામાં રહેલી બે તોલાની ચેન તોડી અજાણ્યા બે ઈસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટના બને એક માસ ઉપર થયા બાદ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
મહેસાણા તાલુકાના પાંચોટ ગામમાં મજૂરી કરી જીવન ગુજારતો 25 વર્ષીય સૌરભ પ્રજાપતિ નામનો યુવક ગઈ 29 સપ્ટેમ્બરના રાત્રે પાંચોટ આનંદપુર માર્ગ પર ચાલવા નીકળ્યો હતો. રાત્રે 8 કલાકે બે અજાણ્યા ઈસમો આનંદપુરથી પાંચોટ તરફ સામેથી ચાલીને આવી રહ્યા હતા, ત્યારે યુવક કાંઈ સમજે એ પહેલાં જ એક ઈસમે ફરિયાદી યુવકના ગળામાં હાથ નાખી 2 તોલાનો સોનાનો દોરો તોડી બંને ભાગી ગયા હતા
યુવકે બુમાબુમ કરી દોરો લૂંટી ભાંગેલા ઈસમો પાછળ દોડ્યો હતો. જોકે, બંને અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. યુવક ગભરાઈ ગયો હોવાથી ઘરમાં કોઈને આ મામલે જાણ કરી નહોતી. બાદમાં પરિવારને જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસમાં અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.