વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ગોધરા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને બેન્કર્સ સાથે બેઠક યોજાઈ.

ચૂંટણી દરમિયાન રૂ. ૧૦ લાખથી વધારે રકમની લેવડ-દેવડ કરવામાં આવે તો ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરવાની રહેશેઃ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાધા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રી દ્વારા ચૂંટણી ખર્ચ ઉપર વોચ રાખવા અંગે બેન્કર્સને જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની ગઇ છે ત્યારે કોઇપણ પ્રકારની શંકાસ્પદ લેવડ-દેવડ કે નાણાંકીય વ્યવહાર પર ખાસ વોચ રાખવામાં આવે સાથે ચૂંટણી લડતા ઉમેદવારો માટે બેંકમાં ચૂંટણી ખર્ચ કરવા અંગેના ખાતા ખોલાવવા સહિતની ચર્ચા કરાઇ હતી.

આ પ્રસંગે જિલ્લા ખર્ચ નિયંત્રણ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાયે કહ્યું કે, આપણા જિલ્લાની વિધાનસભા બેઠકો માટે આગામી તા. ૧૦ નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પડવાનું છે ત્યારે ઉમેદવાર અથવા તો તેના એજન્ટ સંયુક્ત બેંક ખાતું ખોલાવી શકશે પરંતુ તેના પરિવારના સભ્યો જેવા કે પતિ, પત્નિ અને સગાસંબંધીનું સંયુક્ત ખાતું ખોલાવી શકાશે નહીં. જે બેંક ખાતાઓ એક્ટીવ ન હોય અને તેવા ખાતાઓમાંથી રૂ. ૧ લાખ ઉપરના વ્યવહાર થાય અથવા તો આરટીજીએસ કે શંકાસ્પદ વ્યવહાર જણાય તો તેના પર નજર રાખવા જણાવ્યું હતું.

 દરેક બેન્કોએ નિયત પત્રકમાં રોજે રોજ ખર્ચ મોનીટરીંગ સેલને વિગતો મોકલવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ પણ વ્યક્તિના ખાતામાંથી રૂ. ૧૦ લાખથી વધારે રકમની લેવડ-દેવડ કરવામાં આવે તો ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરવાની રહેશે. તેમણે કહ્યું કે, શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો થતાં અટકાવવા માટે ચૂંટણી પંચની સુચના મુજબ કામગીરી કરવાની રહેશે. 

આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતી નેહા ગુપ્તા,સબંધીત નોડલ અધિકારીશ્રીઓ સહિત લીડ બેંક મેનેજર શ્રી અને બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

મુસ્તાક દુરવેશ, હાલોલ.