સુપ્રીમ કોર્ટે EWS 10 % અનામત માન્ય રાખવાના નિર્ણયને લઈ મહેસાણા ખાતે SPGના કાર્યકરોએ મોઢેરા ચોકડી ખાતે ફટાકડાં ફોડી ઉજવણી કરી હતી. જેમાં SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ રોડ પર ફટાકડા ફોડી ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

સુપ્રીમ કોર્ટે EWS 10% અનામત માન્ય રાખવાનો નિર્ણય લીધો હતો. જેથી ગઈ કાલે સાંજે મહેસાણાના મોઢેરા ચોકડી ખાતે SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલના અધ્યક્ષ સ્થાને તેની ખુશીમાં SPG અધ્યક્ષ અને કાર્યકરો ભેગા મળીને ફટાકડા ફોડી ભવ્યથી ભવ્ય ઉજવણી કરી હતી.


અમારી લડાઈ સાચી હતી, અમે લડાઈમાં સફળ થયા છીએઃ લાલજી પટેલ

પાટીદાર નહીં પણ સમગ્ર સવર્ણ સમાજ માટે ખુશીનો દિવસ છે. કારણ કે, અમારી લડાઈની અંદર જે 14 દીકરાઓ શહીદ થઈ ગયા હતા, હજારો યુવાનો પર ખોટા કેસો થયા હતા અને આ લડાઈની અંદર સમગ્ર સવર્ણ સમાજ અને ગુજરાત બહાર પણ લડાઈ શરૂ થઈ હતી, એના કારણે સરકારને પણ મજબૂર થઈને અનામત આપવા પ્રયત્નો કર્યા હતા અને ચાર ચાર જજો એ સુપ્રીમ કોર્ટમાં મંજુર કર્યો છે. ત્યારે ફક્ત પાટીદારોના દીકરાઓ નહિ પણ સમગ્ર સવર્ણ સમાજના ગરીબ વિદ્યાર્થીઓનો લાભ મળશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે, 14 દીકરા શહીદ ગયા એમને સાચી શ્રદ્ધાંજલી મળી. અમારી ખુશીનો પાર નથી. અમને લાગી રહ્યું છે કે, અમારી લડાઈ સાચી હતી. અમે લડાઈમાં સફળ થયા છીએ.