ગાંધીનગરના ચીલોડા નરોડા હાઇવે રોડ ઉપર ગઈકાલે રાત્રે આઈસર ગાડીના ચાલકને ગડદાપાટુનો ઢોર માર મારી એક્ટિવા અને બાઈક પર આવેલા છ લૂંટારૂઓ મોબાઇલ ફોન, જરૂરી કાગળો અને રોકડ રકમ મળીને 18 હજાર 200ની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીલોડા નરોડા હાઇવે રોડ ઉપર ધાડપાડુ ગેંગ સક્રિય થઈ
ગાંધીનગરનાં રણાસણ સર્કલ પાસે લૂંટના ઈરાદે સગીર વયના પિતરાઈ ભાઈઓને આંતરી લૂંટારૂઓ જીવલેણ હુમલો કરી નાસી ગયાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે ગઈકાલે રાત્રે ધાડપાડુ ટોળકીએ આઈસર ગાડીના ચાલકને બાનમાં લઈ ગડદાપાટુનો માર મારી રોકડ રકમ, મોબાઇલ અને અન્ય જરૂરી દસ્તાવેજોની લૂંટ કરીને એક્ટિવા અને બાઇક ઉપર ફરાર થઈ ગયાની વધુ એક ફરિયાદ ડભોડા પોલીસના ચોપડે નોંધવામાં આવી છે.

​​​​​​​સાબરકાઠાં જિલ્લાના ઈડર ખાતે રહેતો અમરતભાઈ રાવળ મીની આઇશર ગાડી વરધીથી ફેરવે છે. પરમ દિવસે રાત્રે આશરે અઢી વાગ્યાના અરસામાં રાજુ ગાડીમાં શાકભાજી ભરીને વડોદરા ખાતે ગયો હતો. ગઈકાલે બપોરે વડોદરાથી પરત ઇડર જવા રવાના થયો હતો. ત્યારે લવારપુર પસાર કરી ચિલોડા તરફ જતાં ગાડી બંધ થઈ ગઈ હતી. જેથી તેણે ચેક કરતાં ગાડીનો ફ્યૂઝ ઉડી ગયો હોવાનું માલુમ પડયું હતું.

જેથી ગાડીને રોડની સાઇડમાં ઉભી રાખી તે રીક્ષામાં બેસી ચિલોડા સર્કલ જઈ નવા ફ્યૂઝ લીધા હતા અને પરત ગાડી પાસે જઈને ફ્યૂઝ લગાવી રહ્યો હતો. એ વખતે ઢળતી સાંજે એક એક્ટિવા ઉપર ત્રણ ઈસમો જઈને પુછવા લાગેલ કે આ કયું ગામ છે. આથી રાજુએ ગામનું નામ ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. એટલામાં બાઈક ઉપર બીજા ત્રણ ઈસમો ત્યાં પહોંચ્યા હતા.

​​​​​​​​​​​​​​બાદમાં રાજુને ઘેરી લઈ ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે બાઇક પર આવેલા ઈસમો પૈકીના એક ઈસમ છરી કાઢવાનું કહેતા બે ઈસમોએ રાજુને શર્ટના કોલર ભાગેથી પકડી લીધો હતો અને તેના પેન્ટનાં ખિસ્સામાંથી પાકીટ અને મોબાઈલ લૂંટી લઈ એક્ટિવા અને બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા. આ બનાવના પગલે ડભોડા પોલીસે ધાડપાડુ ગેંગ વિરુદ્ધ રૂ 18 હજાર 200ની મત્તાની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.