જિલ્લામાં કુલ- ૫ વિધાનસભા મતવિસ્તારમાં ૧૫૧૦ મતદાન મથકો ઉપર મતદાન થશેઃ કુલ મતદારોની સંખ્યા ૧૩,૦૦,૧૭૯ છે. જે પૈકી પુરૂષ મતદારો- ૬૬૫૭૨૩ અને સ્ત્રી મતદારો- ૬૩૪૪૩૬ છે 

   ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે અને ચૂંટણી યોજવા તંત્ર સજ્જ બન્યું છે. ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને ચૂંટણી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની મિડીયાને માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. 

           જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સુજલ મયાત્રાએ ચૂંટણીલક્ષી વિગતો આપતાં જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં કુલ- ૫ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૫૧૦ મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. જિલ્લામાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા ૧૩,૦૦,૧૭૯ છે. જે પૈકી પુરૂષ મતદારો- ૬૬૫૭૨૩ અને સ્ત્રી મતદારો- ૬૩૪૪૩૬ છે અને ૨૦ થર્ડ જેન્ડરના મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં કુલ ૧૦૦૩ સેવા મતદારો નોધાયેલ છે જ્યારે pwd મતદારોની સંખ્યા ૮૦૨૬ નોધાઇ છે. જ્યારે ૮૦ વર્ષથી ઉપરની વરિષ્ઠ નાગરિકોની સંખ્યા ૨૨૦૬૩ નોધાઇ છે. 

તેમણે કહ્યું કે,તમામ મતદાન મથકો પર amf લઘુત્તમ સુવિધાઓની ફેસીલીટી ઉપલબ્ધ કરાશે. વિધાનસભા મત વિભાગ દીઠ સાત એમ કુલ ૩૫ મતદાન મથકો સખી મતદાન મથકો તરીકે તૈયાર કરવામાં આવશે. જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. વિધાનસભા મત વિભાગ દીઠ એક એમ કુલ ૫ મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. જિલ્લામાં એક યુથ મતદાન મથક તૈયાર કરવામાં આવશે. જ્યારે ૧૦ મતદાન મથકો ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવશે. જ્યારે કુલ મતદાન મથકોના ૫૦% મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.વેબ કાસ્ટિંગ માટે એક કંટ્રોલરૂમ ઊભો કરાશે જેનું સતત મોનીટરીંગ કરાશે.

તેમણે કહ્યું કે કોઈપણ માહિતી કે કોઈપણ ફરિયાદ બાબતે ૨૪×૭ કાર્યરત કંટ્રોલરૂમ બનાવવામાં આવે છે. જેનો હેલ્પલાઇન નંબર ૧૯૫૦ છે. જિલ્લામાં ફરિયાદ નિવારણ કક્ષ કાર્યરત કરવામાં આવેલ છે. ફરિયાદના નિકાલ બાબતે fst ની વિધાનસભા મતવિભાગ દીઠ ૦૩ તથા mcc વિધાનસભા દીઠ ૧ ટીમની રચના કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના અમલ માટે નાગરિકો દ્વારા મોબાઇલ એપ્લિકેશન મારફત ફરિયાદ કરી શકે તે માટે c- Vigil મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. જે એપ્લિકેશન દ્વારા નાગરિકો ફોટો કે વિડીયો અપલોડ કરી ફરિયાદ કરી શકશે. ફરિયાદ મળેથી fst ને આ કેસ સોંપી ફરિયાદ પર યોગ્ય તપાસ કરવામાં આવશે જે ફરિયાદનું ૧૦૦ મિનિટમાં નિકાલ કરવામાં આવશે. 

તેમણે કહ્યું કે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ ૧૯ શંકાસ્પદ અથવા પ્રભાવિત કક્ષામાં સમાવિષ્ઠ ગેરહાજર મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા કરવામાં આવશે. જિલ્લામાં PwD મતદારોની સંખ્યા ૮૦૨૬ નોધાઇ છે. 

પંચમહાલ જિલ્લામાં ૧૦/૧૦/૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી મુજબ પાંચ પૈકી ૧૨૪ શહેરા વિધાનસભા મત વિભાગમાં ૨૬૦૯૨૯, ૧૨૫ મોરવા હડફ મત વિભાગમાં ૨૨૮૩૫૦, ૧૨૬ ગોધરા મત વિભાગમાં ૨૭૯૫૯૭, ૧૨૭ કાલોલ મત વિભાગમાં ૨૫૮૪૯૭, ૧૨૮ હાલોલ મત વિભાગમાં ૨૭૨૮૩૬ મતદારો નોંધાયા છે. 

 આ ્રેઆસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી. ચુડાસમા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા ગુપ્તા, સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

પચમહાલ જિલ્લામાં યોજાનાર ચૂંટણી કાર્યક્રમ

૧. ચૂંટણીની જાહેરાતની તારીખ ૦૩-૧૧-૨૦૨૨

૨. જાહેરનામુ બહાર પાડવાની તારીખ- ૧૦-૧૧-૨૦૨૨

૩. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ - ૧૭-૧૧-૨૦૨૨

૪. ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ- ૧૮-૧૧-૨૦૨૨

૫. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ - ૨૧-૧૧-૨૦૨૨

૬. મતદાનની તારીખ - ૦૫-૧૨-૨૦૨૨

૭. મત ગણતરીની તારીખ - ૦૮-૧૨-૨૦૨૨

૮. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ - ૧૦-૧૨-૨૦૨૨