ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થતાં હવે રાજકીય પક્ષ દ્વારા તડામાર તૈયારી ચાલું કરી દેવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી દ્વારા CM ચહેરાને લઈને લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જોકે આપ દ્વારા પંજાબમાં આ પ્રકારે લોકોનો અભિપ્રાય લઈને CM ચહેરાની જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે આજે ગુજરાતમાં આપના CM ચહેરાની જાહેરાત કરી છે. આજે કેજરીવાલની પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીનું નામ CM ચહેરા તરીકે જાહેર કર્યું છે. આપ ગુજરાત દ્વારા CMના ચહેરા માટે લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આપ ગુજરાતના CMના ચહેરા માટે 16 લાખ કરતા વધારે લોકોએ અભિપ્રાય આપ્યો હતો. જે પૈકી જેમાં 70 ટકાએ ઈશુદાનનું નામ આપ્યું હતું. આપ દ્વારા આશ્રમ રોડ સ્થિત હયાત રેજન્સીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ઈસુદાન ગઢવીના પરિવારજનો પણ આવ્યા હતા. CM ચહેરાની જાહેરાત પહેલા જ ઈસુદાનનું નામ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઈસુદાનના નામની જાહેરાત થતાં તેમના માતાએ જાહેરમંચ પરથી તેમના દિકરાને આશીર્વાદ આપ્યા હતા અને જાહેરજનતાનો આભાર માન્યો હતો.