જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ સંબોધી જિલ્લા ચૂંટણીતંત્રની વ્યવસ્થાઓ અને મતદારો તેમજ મતદાન મથકો અંગે માહિતી આપી
અમરેલી, તા.૦૩ નવેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે.
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય વિધાનસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતા અમલીકરણ, ચૂંટણી કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર માહિતી આપવાના હેતુથી એક પ્રેસ વાર્તાલાપનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી વિજય પટ્ટણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં અમરેલી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીના સુચારુ આયોજનની વ્યવસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આગામી તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ પ્રથમ તબક્કામાં મતદાન થશે. પ્રથમ ચરણના મતદાનનું જાહેરનામું આગામી તા.૦૫ નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની અંતિમ તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ રહેશે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રકોની ખરાઈ કરવાની અંતિમ તા.૧૫ નવેમ્બર,૨૦૨૨ રહેશે. પ્રથમ તબક્કાના મતદાન માટે અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તા.૧૭ નવેમ્બર જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે, અમરેલી જિલ્લામાં ૧,૪૧૨ મતદાન મથકોમાં ૧૨,૫૯,૨૯૪ મતદારોની નોંધણી થઈ છે. આ પૈકી ૬,૫૧,૪૦૭ પુરુષ મતદારો છે જ્યારે ૬,૦૭,૮૬૭ મહિલા મતદારો છે. જ્યારે ૨૦ અન્ય મતદારો છે. સંક્ષિપ્ત સુધારણા અભિયાન અંતર્ગત અમરેલીમાં ૧૪,૫૫૮ નવા મતદારો ઉમેરાયા છે. તેમણે ઉમેર્યુ કે, આજથી અમરેલીમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરવા માટે કંટ્રોલરૂમ પણ શરુ કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકો આ કંટ્રોલરુમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે. જિલ્લામાં વિવિધ વિધાનસભામાં ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારો આર.ઓ. કક્ષાએથી પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીશ્રી પાસે ઉમેદવારી નોંધાવી શકશે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.