રણઉત્સવનો વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્યના હસ્તે સાદગી પૂર્ણ પ્રારંભ
પ્રધાનમંત્રીશ્રીની દુરંદેશીના ફળ સ્વરૂપ રણોત્સવ થકી કચ્છ ના સરહદના લોકોની સુખાકારીમાં વધારો થયો છે - વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને અવિકસીત કચ્છને વિશ્વના નકશામાં મુકવાનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થયું છે .રણ ઉત્સવ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત થતા ટુરીસ્ટનુ મનપસંદ સ્થાન બન્યું છે. જેના કારણે છેલ્લા નવ વર્ષમાં અહીં 25 લાખથી વધુ પ્રવાસીઓ આવીને સફેદ રણને માણી ચૂક્યા છે એવું સાદગીપૂર્ણ રીતે રણોત્સવને ખુલ્લું મુકતા વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.
નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.
રણોત્સવને લોકાર્પિત કરતા વિધાનસભા અધ્યક્ષશ્રીએ સૌ પ્રથમ ક્રાફ્ટ માર્કેટમાં હસ્તકલા કારીગરોના સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેમની આંગળીના ટેરવે આકાર પામેલી પ્રોડક્ટોને જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો તથા હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છ ખમીરવંતા અને દરિયાદિલ લોકોનો પ્રદેશ છે. આ હેતાળ પ્રદેશના લોકોએ કચ્છના વિકાસમાં સક્રિય પણે સહભાગીતા દર્શાવીને કચ્છને એક ઉદાહરણરૂપ પ્રદેશ બનાવી દીધો છે. પ્રધાનમંત્રીશ્રીનું કચ્છનો સર્વાંગી વિકાસ કરી વિશ્વના નકશામાં મૂકવાના સ્વપ્નને કચ્છના લોકોએ સહકાર આપીને સાકાર કર્યું છે. આજે કચ્છમાં દેશભરમાંથી રોજગારી મેળવવા માટે લોકો આવે છે, કચ્છની સરહદ સલામત બને અને સરહદના લોકો સમૃદ્ધ બને તે માટે પ્રધાનમંત્રીશ્રીએ અહીં અનેક પ્રકલ્પોનુ નિર્માણ કર્યું છે. જેમાંથી રણઉત્સવ, સરહદ ડેરી, ઉદ્યોગો તેમજ એશિયાના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કનું સ્વપ્ન સાકાર થયું છે, ટૂંક સમયમાં કચ્છની સરહદ દેશને વીજળી આપતી થશે.
તેમણે સરહદના લોકોના આંગળીના ટેરવે આકાર પામતી હસ્તકલાની પ્રોડક્ટોનું વખાણ કરતા જણાવ્યું હતું કે , લોકોરણ ઉત્સવની રાહ જોતા હોય છે જેથી અહીંના હેન્ડીક્રાફ્ટને ખરીદી શકે તેમજ કારીગરો પણ આખું વર્ષ પોતાની મહેનત અહીં રજૂ કરીને આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કચ્છ ખરા અર્થમાં સોનું છે અહીં ખાણ ખનીજ ઉદ્યોગ ,મીઠા ઉદ્યોગ સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ તેમજ ત્રણ પોર્ટ હોવાથી અહીં ચૌતરફ વિકાસ થયો છે. તેમણે જે રીતે યુરોપની ટુરના પેકેજ હોય છે તે રીતે ટુરીઝમ ક્ષેત્રે સંકળાયેલા ધંધાર્થીઓ આખા કચ્છની ટુરના પેકેજ બનાવીને લોકો સમક્ષ મૂકી તો આખા કચ્છને લોકો સરળતાથી માણી શકે અને કચ્છને આંતરિક રીતે પણ ઓળખી શકે.
આ પ્રસંગે ટુરીઝમ વિભાગના સચિવશ્રી હારીત શુક્લાએ જણાવ્યું હતું કે , અત્યારે રણ ઉત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામ્યો છે અને આ ઉત્સવ થકી અહીંના ગામડાઓની અર્થવ્યવસ્થામાં ખૂબ જ સુધારો થયો છે. ભવિષ્યમાં પણ આ સ્થળ વધુને વધુ વિકસિત થશે તેમણે આ ટાંકણે પરમેનેન્ટ સાઉન્ડ શો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી .તેમજ તેમણે અહીં આવતા પ્રવાસીઓને ધોળાવીરાની ,પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ખુલ્લું મુકાયેલું સ્મૃતિ વન, રીજનલ સાયન્સ સેન્ટર ની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર પોતાની વિવિધ પોલિસીઓના અમલીકરણથી ટુરીઝમ ક્ષેત્રે કચ્છ સહિતના પ્રદેશોનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે કાર્યશીલ છે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં કચ્છ વર્લ્ડના 10 ટોપ ટેન ટુરીઝમ ડેસ્ટિનેશનમાં સ્થાન પામશે .તેમણે કચ્છ હાલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મહત્વનું સ્થાન બન્યું છે ત્યારે સરકાર આ ક્ષેત્રે પણ કચ્છનો વિકાસ થાય તે માટે સક્રિય કામગીરી કરી રહી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી ,ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, પ્રવાસન વિભાગના કમિશનરશ્રી આલોકકુમાર પાંડે , ધોરડો સરપંચ મિયા હુસેન, કલેક્ટરશ્રી દિલીપ રાણા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિ રાગ ચપલોપ તેમજ ડી.આર.ડી.એના ડાયરેક્ટરશ્રી રાઠોડ તેમજ મોટી સંખ્યામાં હસ્તકલાના કારીગરો પ્રવાસીઓ તથા સ્થાનિક ગ્રામ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.