દિવાળીના તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે લોકો દુકાનેથી મીઠાઈ અને ફરસાણ ખરીદી પરિવાર સાથે મજા માણે છે. સરકાર દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો માટે કાનૂન બનાવેલ છે. જેમાં દુકાનની સ્વચ્છતા પાયાની છે તેમજ જે પણ મીઠાઈ કે ફરસાણ બનાવવામાં આવે છે એમાં વાપરવામાં આવતી તમામ ચીજવસ્તુઓ ગુણવત્તાયુક્ત હોવી જાેઈએ,મીઠાઈ કે ફરસાણ ખુલ્લામાં ન રાખતાં તેને કાચમાં કે પ્લાસ્ટિકના કવરમાં રાખવા, જેથી ધૂળ કે અન્ય રજકણો ન ચોંટે, કારણ કે મીઠાઈ અને ફરસાણ એ ખાદ્ય પદાર્થ છે અને જાે એમાં ભેળસેળ કે પછી પૂરતી તકેદારી રાખવામાં ન આવે તો લોકો રોગના ભોગ બની શકે છે.
માટે સરકાર દ્વારા આ બાબતોની તકેદારી અને સમયાંતરે તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યરત છે પણ બનાસકાંઠા જિલ્લામાં આ વિભાગ કુંભકર્ણ નિદ્રામાં હોવાની રાડ ઉઠી છે. તહેવારોના સમયમાં નક્કી કરેલ 'વહીવટ' થઈ જતો હોવાથી અધિકારીઓ તપાસમાં આવતા જ નથી અને આવે તો પણ અગાઉથી જાણ કરીને આવે છે અને દિવાળી ઉઘરાવી સબ સલામતના દાવા કરી પરત જતા રહે છે.તેવા આક્ષેપો વચ્ચે જિલ્લા માં મીઠાઈ અને ફરસાણની અનેક દુકાનો આવેલ છે . પણ અધિકારીઓ આ બાજુ ફરકતા જ નથી. હકીકતમાં જે જે દુકાનો ખાદ્ય પદાર્થોનું વેચાણ કરે છે એ તમામ દુકાનોની તપાસ હાથ ધરવામાં આવે અને જ્યાં પણ ગડબડ લાગે એના સેમ્પલ લઈને ચકાસણીમાં મુકવામાં આવે અને સ્વચ્છતાની તકેદારી રાખવાનું સૂચન કરાય, ભાવતાલમાં પણ યોગ્ય અને ગ્રાહકોને પોસાય તેવા ભાવ લેવા ટકોર કરવામાં આવે. જેના કારણે આ વિસ્તારની અભણ અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને બેફામ બનીને મનફાવે એવી રીતે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓની શાન ઠેકાણે આવે તેમ છે.