સુરત શહેરમાં પાલિકામાં પહેલીવાર એક જ દિવસે 1045 કરોડનાં 284 કામોને મંજૂરી અપાઈ હતી.
વિધાનસભાની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે ગુરુવારની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત 1045 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી. શાસકોએ રેગ્યુલર અને વધારાના મળી કુલ 284 કામ મંજૂર કર્યા હતાં. જેમાં સૌથી વધુ પ્રાથમિક સુવિધાના 86 કામોને 675 કરોડના ખર્ચના અંદાજ સાથે મંજૂર કરાયા હતાં. જ્યારે સ્કૂલ નિર્માણ, ખજોદમાં સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા તેમજ સ્ટીલ રોડ બનાવવા જેવા 35 પ્રોજેક્ટને 279 કરોડના ખર્ચના અંદાજ સાથે મંજૂરી અપાઇ હતી. બેઠકમાં આરોગ્યલક્ષી સેવા સાથે હેલ્થ સેન્ટરોમાં દવા, ઇન્જેક્શન તથા સાધનો 27. 29 કરોડના ખર્ચે ખરીદ કરવા પણ 7 દરખાસ્તને મંજૂરી અપાઇ હતી. પાલિકાની વિવિધ કચેરી તથા મિલકતોના મેઇન્ટેનન્સ માટેના 40 કામોને 63. 18 કરોડના ખર્ચે મંજૂરી અપાઇ છે. કમિટીએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ તબક્કે કુલ 284 દરખાસ્ત પર ચર્ચા અંતે 1045. 64 કરોડ રૂપિયાના કામોને બહાલી આપી હતી. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેને પાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ બેઠકમાં આટલી મોટી રકમના કામો મંજૂર થયાં હોય તે સંજોગ પહેલી વખત બન્યો હોવાનો પણ દાવો કર્યો હતો.