મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ડેફએક્સ્પો-2022 અંતર્ગત
સેમિનાર અંતર્ગત USIBC અને SIDMના સંયુક્ત ઉપક્રમે ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહકાર મજબૂત કરવા અંગે ચર્ચા થઈ
યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ-USIBC અને સોસાયટી ફોર ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ-SIDMના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ‘યુ.એસ.-ઇન્ડિયા સંરક્ષણ સહકારમાં નવી સીમાઓઃ નેક્સ્ટ જનરેશન ટેકનોલૉજી, ઇનોવેશન અને મેક ઈન ઇન્ડિયા’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે આ પ્રસંગે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ સુધારાઓ કરવામાં આવ્યાં છે, જેના કારણે ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બન્યાં છે. ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત અમેરિકાની કંપનીઓને ટેકનોલૉજી વિકસાવવા તથા પોતાનું ઉત્પાદન યુનિટ સ્થાપવા માટેની પ્રક્રિયાઓ વધુ સરળ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સકારાત્મક પ્રયત્નોથી બંને દેશોની કંપનીઓ વચ્ચેની ભાગીદારી વધુ વ્યાપક બની છે. ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ના મંત્ર સાથે અમેરિકાની કંપનીઓ ભારતમાં પોતાનું એક્સપોર્ટ એરિએન્ટેડ યુનિટ શરૂ કરી રહી છે. સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અમેરિકાની મેગા કંપનીઓ માટે ભારતની લઘુઅને સૂક્ષ્મ કંપનીઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ સેમિનાર અંતર્ગત વિવિધ ભારત-અમેરિકાના સંરક્ષણ નિષ્ણાંતો, સંરક્ષણ મંત્રાલયના તથા કંપનીઓના અધિકારીઓ વચ્ચે પેનલ ચર્ચાઓ થઈ હતી.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.