મહેસાણા જિલ્લામાં દિવાળી ટાણે લૂંટની બે ઘટનાઓ બની છે. થોડા દિવસ અગાઉ ખેરાલુમાં પોસ્ટ કર્મચારીને લૂંટી ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા. ત્યારે આજે ફરી ચાર શખ્સોએ બહુચરાજી નજીકથી 70 લાખની લૂંટ ચલાવી છે. બેચરજી-હારીજ રોડ પર મોડી રાત્રે 70 લાખ રૂપિયાની લૂંટ થતા રાતોરાત પોલીસે નાકાબંધી કરી હતી. જોકે, હજુ સુધી લૂંટારૂઓને પકડવામાં સફળતા મળી નથી.
મળતી માહિતી પ્રમાણે બહુચરાજી -હારીજ રોડ પર આવેલી ગોલ્ડ ઓસીશી હોટેલ નજીક ગઈકાલે રાત્રે 10 વાગ્યે હારીજ ખાતે રહેતા ઠક્કર નીતિનભાઈ નટવરલાલ પોતાની ગાડી લઇ કડીથી બેચરાજી થઈ હારીજ જઇ રહ્યા હતા. એ દરમિયાન હોટેલ ગોલ્ડ ઓસીશી પાસે અજાણ્યા 30 વર્ષની ઉંમરના ચાર જેટલા શખ્સોએ ગાડી રોકાવી નીતિનભાઈને ધોકા વડે મારમારી ગાડીમાં રહેલા થેલામાંથી 70 લાખની રોકડ લૂંટી ભાગી ગયા હતા. લૂંટ કરવા આવેલા લૂંટારું બે બાઇક પર સવાર થઈને આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ પોલીસને થતા તમામ ટીમો આરોપીઓને શોધવા કામે લાગી છે. હાલમાં 10 ટીમો તપાસ કામ કરી રહી છે. રાત્રી દરમિયાન લૂંટ બાદ નાકાબંધી પણ કરવામાં આવી હતી.