દિવાળી તથા અન્ય તહેવારોને અનુલક્ષીને બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
-------------
દિવાળીનાં તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/ હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ,અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર બોટાદ જિલ્લાની હદવિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવાની આવશ્યાને લક્ષમાં લઇને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારને ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ સને-૧૯૫૧ની કલમ-૩૩(૧) થી તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર બોટાદ જિલ્લાના હદ વિસ્તારમાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે હુકમ ફરમાવ્યો છે.
ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ દિવાળીના કે અન્ય તહેવારો દરમિયાન રાત્રીના ૮:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩:૫૫ કલાકથી ૦૦:૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાનમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા(Joint firecrackers,Series Crackers or Laris) પર ના.સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુક્વામાં આવેલ હોવાથી તે રાખી શકાશે નહી,ફોડી શકાશે નહી.
તેવી જ રીતે, હાનીકારક ધ્વનિ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર(Decibel level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે.PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર "PESO ની સુચના પ્રમાણેનું" માર્કિંગ હોવું જરૂરી છે.હોસ્પિટલ,નર્સિંગહોમ,આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ,ન્યાયાલયો, સિનેમાગૃહ,નાટકગૃહ તથા ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે.અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ.
કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ,રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ. ઇ-કોમર્સ વેબસાઇટ પર ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહિ. લોકોને અગવડ ઊભી ન થાય કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ શહેરો તથા ગામોની શેરીઓ,ગલીઓ,જાહેર રસ્તાઓ,પેટ્રોલ પંપ,એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ /સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો નજીક ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી.
આ જાહેરનામાનો અમલ તા.૧૮/૧૦/૨૦૨૨ થી તા.૧૧/૧૧/૨૦૨૨ સુધીનો રહેશે. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના ૫ગલા લેવા માટે કોઇપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીનેશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.