અમદાવાદ અને ગુજરાત ભરમાં વિદેશી દારૂના વેચાણનું સૌથી મોટુ નેટવર્ક ધરાવતા કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીને રેડ કોર્નર નાટિસને આધારે દુબઇથી ઝડપી લેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલને મહત્વની સફળતા મળી છે. ગુજરાત અને રાજસ્થાનમાં તેના વિરૂદ્વ ૧૦૦થી વધુ ગુના નોંધાયા છે અને પ્રતિવર્ષ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં સપ્લાય કરતો હતો. ત્યારે હવે તેની પુછપરછમાં અનેક આઇપીએસ અને અન્ય પોલીસ કર્મચારીઓના નામ ખુલવાની શક્યતા છે. ગુજરાતમાં પ્રતિવર્ષ ૨૫૦ કરોડથી વધારેની કિંમતના દારૂની હેરફેર કરતો અને વિદેશી દારૂનું સૌથી મોટુ નેટવર્ક ધરાવતા બુટલેગર વિનોદ સિંધી ઉર્ફે વિજય ઉદવાણી અંતે દુબઇથી ઝડપાયો. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાની કાર્યવાહીમાં બુટલેગર નાગદાન ગઢવીની ધરપકડ બાદ તે ભારત છોડીને ફરાર થઇ ગયો હતો. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયે ઇન્ટરપોલની મદદ લઇને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાવી હતી. સાથે સાથે ચોક્કસ બાતમી હતી કે તે દુબઇમાં છુપાયો છે. જેના આધારે રવિવારે તેનું લોકેશન મેળવીને ઝડપી લેવામાં આવ્યો હતો. દુબઇ અને ભારત વચ્ચે થયેલા પ્રત્યારોપણના કરાર મુજબ તેને ઝડપથી ભારતને હવાલે કરી દેવામાં આવશે. જો કે આ માટે તેના વિરૂદ્વના દસ્તાવેજી ુપુરાવાને દુબઇની તપાસ એજન્સીને આપવા જરૂરી હોવાથી સોમવારે નિર્લિપ્ત રાયે દિલ્હી જઇને ઇન્ટરપોલને જરૂરી પુરાવા આપ્યા હતા. જે દુબઇ પોલીસને સોંપીને વિનોદ સિંધીનો કબ્જો લઇ શકાશે. બીજી તરફ વિનોદ સિંધી કરોડો રૂપિયાનું ભરણ આઇ પી.એસ કક્ષાના અધિકારીઓ સુધી આપતો હતો. જેથી તેની પુછપરછમાં આઇ.પી.એસ થી લઇને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ બહાર આવી શકે તેમ છે. જેને લઇને પોલીસમાં આ બાબતે ભારે ચર્ચા પણ જોવા મળી રહી છે