ધ્રાંગધ્રાના કૂડા રણમાં મીઠું પકવતા અગરિયાનું કૂવામાં ગેસ ગળતરથી મોત થયું છે. રણમાં કૂવામાં કામ કરતી વખતે ગેસ ગળતરના લીધે બેભાન થયા બાદ અગરિયા યુવાને દમ તોડતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.​​​​​​​દેશમાં મીઠાની કુલ જરૂરિયાતનું 70 % ઉત્પાદન કચ્છનું નાનું રણ કરે છે. અંદાજે 5000 ચો.મીટરમાં ત્રિકોણકાર ફેલાયેલું આ રણ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ એમ પાંચ જિલ્લાના અગરિયાઓની આજીવિકા સમાન છે. ત્યારે દર વર્ષે આમ દુનિયા માટે તહેવારના કહેવાતા ઓક્ટોબર મહિનાનાં દિવસોમાં અગરિયાઓ સર સામાન અને પરિવાર સાથે મીઠુ પકવવા રણમાં જતાં હોય છે. ત્યારે ધ્રાંગધ્રાનાં કુડા ગામના યુવાન લાભુભાઈ ગોરધનભાઈ ઠાકોર મીઠાંના કૂવા (પાટો)માં પડી જતાં ગેસ ગળતરથી તેઓ બેભાન થઇ ગયા હતા. લોકોના ધ્યાને આવે અને જરૂરી મદદ પહોંચે દવાખાને લાવે એ પહેલા જ એમનું રણમાં જ કરૂણ મોત થયું હતું.ધ્રાંગધ્રા તાલુકા પોલીસ, કુડા સરપંચ અને ગામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યાં હતા અને યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી શરૂ કરી હતી. મીઠાના કૂવામાં મિથેન, કાર્બન મોનોક્સાઇડ અને બ્રોમેઇન જેવા ઝેરી ગેસ છૂટતો હોય છે. ઉલ્લેખનીય છે કે, તનતોડ મહેનત કરીને મીઠુ પકવતા અગરિયાઓની સલામતી માટે સુરક્ષિત આયોજન જરૂરી બન્યું છે.