મહેસાણા : રાજ્યના તોલમાપ વિભાગના વિભાગીય નાયબ નિયંત્રક એન.એમ.રાઠોડની સીધી દેખરેખ હેઠળ મહેસાણા જિલ્લાના તોલમાપ વિભાગના આસિસ્ટન્ટ કંટ્રોલર એસ.વી.પટેલ અને તાબા હેઠળના નિરીક્ષકોની ટીમ દ્વારા મહેસાણા સ્થિત બંસલ સુપર માર્કેટ ખાતે આકસ્મિત તપાસ હાથ ધરી આ મોલમાંથી વેચાણ અર્થે રાખવામાં આવેલ સીલબંધ પેકેટો કાયદા નિયમો મુજબ બરાબર છેકે નહિ તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઉપરોક્ત ટીમ દ્વારા આ મોલ ખાતે આશરે છ કલાક સુધી ઘનિષ્ટ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોલ ખાતે વેચાણ અર્થે રાખવામાં આવેલ સીલબંધ પેકેટો ઉપર પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-2011માંની જોગવાઇઓ મુજબ ફરજીયાત કરવાના થતા નિર્દેશનો કરવામા આવેલ છે કે કેમ, તે અંગેની તપાસ હાથ ધરતા આ મોલ ખાતેથી વિવિધ પ્રકારના કરિયાણાની આઇટમો સીલબંધ પેકેજો ઉપર કસ્ટમર કેર નંબર,ઇમેઇલ આઇ.ડી, જેવા નિર્દેશનો કરવામાં આવેલ નહિ હોવાની ક્ષતિ માલુમ પડેલ છે.તેમજ કેટલાક સીલબંધ પેકેજો પર છાપેલ મૂળ મહત્તમ વેચાણ કિંમત પર અન્ય કિંમતોના સ્ટીકર લગાવેવ હોવાની ક્ષતિઓ માલૂમ પડેલ છે.
આવા અધુરા નિર્દેશનો ધરાવતા સીલબંધ પેકેજ વડોદરા ખાતેના ઉત્પાદક,પેકર સામે તથા બંસલ સુપર માર્કેટના જવાબદાર માલિક,ભાગીદારો સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009ની કલમ 18(1) અન્વયે તથા ઉત્પાદક,પેકર અંગેનું રજિસ્ટ્રેશન ન કરાવવા અંગે અને છાપેલ એમ.આર.પી ઉપર અન્ય કિંમતોનું સ્ટીકર લગાવવાની ક્ષતિઓ બાબત પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-2011ની જોગવાઇની જોગવાઇઓનો ભંગ થયેલ જણાતાં ઉપરોક્ત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રો.કેસ કરવામાં આવેલ છે.
ઉપરોક્ત ઉત્પાદક પેકર તથા બંસલ સુપર માર્કેટના જવાબદારોએ પોતાની ક્ષતિ બદલ ગુનો કબુલ કરતા બંસલ સુપર માર્કટ અને વ઼ડોદરા સ્થિત ઉત્પાદક પેકરને કુલ રૂપિયા 99,000 ગુના દંડ વસુલાત કરવામાં આવ્યો છે.