આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ગુજરાત સરકારના સીઈડી (સેન્ટર ફોર એન્ટરપ્રીન્યોરશીપ ડેવલોપમેન્ટ) વિભાગ દ્વારા તારીખ 15/10/2022 ના રોજ આણંદ જિલ્લાના બોરસદમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે ઉદ્યોગ સાહસિકતા તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો. 12 દિવસ ચાલનારી આ તાલીમમાં ઉપસ્થિત રહેનાર તાલીમાર્થીઓને વ્યવસાય સ્થાપનથી માંડીને તેના વિકાસ સુધીના તમામ પાસાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું સીઈડી વિભાગ તરફથી ઉપસ્થિત રહેલા ચિરાગ રોહિત સાહેબે જણાવ્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉદ્યોગ સાહસિકતા કેળવવા તથા સ્વરોજગારી મેળવવા માટે આ તાલીમ ઘણી ફળદાયી નીવડશે. આ પ્રસંગે આશાદીપના નિયામક જોન કેનેડી, સ્ટાફ તથા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.