ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં દરેક દિશાઓમાં દૂર દૂર સ્થપાયેલ સોસાયટીઓ તેમજ ગામથી દૂર આવેલ શાળા કોલેજો, સરકારી કચેરીઓ,હોસ્પીટલ તેમજ તળાજાનાં પરા જેવા નજીકનાં ગામોની પ્રજા અને વિદ્યાર્થીઓને તળાજા શહેર સહિત દરેક વિસ્તારમાંથી સસ્તુ અને સુરક્ષિત પરિવહન મળી રહે તે માટે હવે તળાજા નગરને સીટી બસની સુવિધા મળે તેવી માંગણી વધતી જાય છે.
તળાજા શહેરમાં ટ્રાફીક હાડમારીને કારણે સામાન્ય પ્રજાને પોતાનાં વાહનો પોસાતા નથી અને તળાજામાં રીક્ષા ચાલકો લોકોની જરૂરીયાતનો ગેરલાભ લઇ તગડા ભાડા વસુલ કરી ગરજનો ગેરલાભ લઇ રહ્યા છે.ઉપરાંત તળાજાની એકદમ નજીક નજીક આવેલા ગામોમાંથી વિદ્યાર્થીઓ મહિલાઓ સહીત આમ જનતાને છકડાની જોખમી સવારી કરવી પડે છે આ સંજોગોમાં તળાજા અને આજુબાજુનાં નજીકનાં તમામ વિસ્તારોને આવરી લઇ સીટી બસની નિયમિત સુવિધા પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે,તેમજ એસ.ટી તંત્રનો સહયોગ મેળવીને તળાજા નગરપાલિકા સંયુક્ત રીતે સીટી બસનું સંચાલન કરે તો તળાજાની આજુબાજુના ગામોની આમ જનતાને પણ આ સુવિધાનો નિયમિત રીતે લાભ મળી શકે.તળાજા શહેરને સીટી બસની સુવિધા મળે તેવી માંગણી હવે પ્રબળ બની છે.