કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સની “બેટી બચાઓ બેટી પઢાઓ ”ની મીટીંગ યોજાઈ
ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો (BBBP) યોજના એપ્રિલ ૨૦૧૫ થી અમલમાં મૂકવામાં આવેલ છે આ સંદર્ભે નડિયાદ કલેકટર કચેરી ખાતે કોફી વિથ કલેકટર શ્રીનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત દીકરીના જન્મ, દિકરી જન્મને પ્રોત્સાહન તેમજ ગર્ભ પરીક્ષણ / જાતિની પસંદગી અટકાવવી,દિકરીની સુરક્ષા અને સલામતી,દિકરીઓમાં માધ્યમિક શિક્ષણ મેળવે તે સુનિશ્ચિત કરવું જેવા મુદાઓ પર કલેકટર કે.એલ.બચાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
મહિલા અને બાળ કલ્યાણ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે, 'બેટી બચાવો બેટી પઢાવો" યોજના અંતર્ગત દિકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે ખેડા જિલ્લાના તમામ તાલુકામાં તથા સિવિલ હોસ્પિટલમાં નવજન્મેલ દિકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવે છે.આ કીટમાં નાના બાળક માટેના કપડા,તેમજ અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે ઉમેર્યું કે , "બેટી પઢાવો" યોજના અંતર્ગત ૪,૮૬,૦૦૦/- ના ખર્ચે ૫૪ ગામમાં લોક જાગૃતિ માટે નાટકના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેમજ નવજન્મેલ દીકરીઓને ૪,૨૦,૦૦૦/- ના ખર્ચે 600 વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જાગૃતિ કાર્યક્રમ માટે રૂ. ૧,૩૬,૦૦૦/- તથા ૮૯,૩૫૦/ વોલપેઇન્ટીંગ કરી યોજનાના પ્રચાર-પ્રસાર માટે ખર્ચ કરવામાં આવ્યુ છે. બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત “રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રમત ગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હોય તેવી દિકરીઓનું મોમેન્ટો તથા નેમ પ્લેટ આપી સન્માન તથા ૫૦ હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. દિકરીઓના ઘરની મુલાકાત કરી નેમપ્લેટ પણ લગાવવવામાં આવી હતી.
વધુમાં અધિકારીએ ઉમેર્યું કે,ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ સારૂ જિલ્લા તેમજ તાલુકા સ્તરે મહિલા “મહિલા શક્તિ કેન્દ્ર” શરૂ કરવા માટે “મહિલા શક્તિ કેન્દ્ર” (MSK) યોજના અમલમાં મુકવામાં આવી છે. મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા સરકારશ્રીની મહિલાઓને લગતી વિવિધ સેવાઓ કાર્યક્રમો, યોજનાઓ તથા કૌશલ્ય વિકાસ, રોજગારી, ડીઝીટલ સાક્ષરતા, આરોગ્ય અને પોષણને લગતી માહિતી અને કાર્યક્રમો ગ્રામ્ય સ્તરે છેવાડાઓની મહિલાઓ સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.અને “બેટી બચાવો બેટી પઢાવો" યોજનાની કામગીરી જિલ્લા મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા કરવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું કે, મહિલાઓ, બાળાઓ આ સમાજનો વિશિષ્ટ ભાગ છે. તેઓએ જિલ્લામાં કોઈ પણ પ્રકારની ગર્ભ ચકાસણી કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ જણાય તો જિલ્લા પ્રશાસનનું ધ્યાન દોરવા માટે વિનંતી કરી હતી. કાર્યક્રમમાં કલેકટર દ્વારા રમતગમત ક્ષેત્રે જે વિદ્યાર્થીનીઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે સારી પ્રગતિ કરી તેમણે પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.