મહેસાણા: મહેસાણામાં કડી મામલતદાર કચેરીની લિફ્ટમાં બે અરજદારો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અહીં અચાનક જ લિફ્ટ બંધ થઈ જતા બે લોકો ફસાયા હતા. લિફ્ટમાં બે લોકો ફસાતા ત્યાં હાજર અધિકારીઓ અને ગાર્ડ દોડતા થયા હતા અને તેમને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. લિફ્ટ બંધ થઇ જતાં બે લોકોના કલાકો સુધી અંદર પૂરાવીને રહેવું પડ્યું હતું. જેના કારણે ફસાયેલા લોકો પણ ગભરાઇ ગયા હતા. જોકે, કલાકો બાદ ભારે મહેનતે આ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

કડી મામલતદાર કેચરી ખાતે જે-તે કામ માટે બે અરજદારો આવ્યા હતા. અહીં તેઓ કચેરીની બિલ્ડિંગમાં ઉપરના માણે કામ હોવાથી તેમણે લિફ્ટનો સહારો લીધો હતો, પરંતુ તેમને ખબર નહોતી કે આ લિફ્ટમાં તેમને પૂરાઇ રહેવાનો વારો આવશે. આ બે અરજદારો લિફ્ટમાં બેસ્યા હતા, પરંતુ તે બાદ લિફ્ટ અધવચ્ચે જ ખોટવાઇ ગઇ હતી અને તેઓ ફસાઇ ગયા હતા. લિફ્ટ અચાનક જ ફસાઇ જતાં બન્ને લોકો ગભરાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને સિક્યોરિટી ગાર્ડે તેમને બહાર કાઢવા દોડધામ શરૂ કરી હતી.

અંદર ફસાયેલા શખ્સોએ મોબાઇલ વડે બહારના લોકો સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને ગાર્ડે તેમને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી, પરંતુ તેમને સફળતા મળી નહોતી. છેવટે લિફ્ટ મેનને બોલાવવામાં આવ્યો હતો અને લગભગ બે કલાકની મહામહેનતે ફસાયેલા વ્યક્તિઓને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ બે કલાક જેટલા સમય સુધી લિફ્ટમાં ફસાઇ રહેતા આ બન્ને લોકો પણ ગભરાઇ ગયા હતા. જોકે, આ લિફ્ટ ક્યા કારણસર ખોટવાઇ હતી તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.