મહેસાણા : મહેસાણા તાલુકાના પીલુંદરા ગામના પટેલ તુલસીભાઈનું 2011ના વર્ષમાં ટ્રકની હડફેટે મોત નીપજ્યું હતું. જેથી મૃતકના પરિવારજનોએ ટ્રકના વીમાં કંપની સામે 1 કરોડ 80 લાખનો ક્લેઇમ દાખલ કર્યો હતો. સમગ્ર મામલે આજે મહેસાણા કોર્ટ વીમા કંપનીને 1 કરોડથી વધુની રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો છે.
મહેસાણા તાલુકામાં આવેલા પીલુંદરા ગામના પટેલ તુલસી ભાઈ 30 ડિસેમ્બર 2011ના રોજ વાપી ખાતે આવેલી ફેકટરીમાં ગયા હતા. ત્યાંથી તેઓ પોતાના બાઈક GJ15SS416 લઇ વાપીમાં ચાલતી અન્ય કંપનીમાં જવા નીકળ્યા હતા. એ દરમિયાન બપોરે 12 કલાકે વાપી GIDC,વીણા ઇન્ડસ્ટ્રીઝ એપાર્ટમેન્ટની સામે થર્ડ ફેસ જવાના રોડ પર MH4DD2237 નંબરની ટ્રકે હડફેટે લેતા ઘટના સ્થળેજ તેમનું મોત નીપજ્યું હતું.
બાદમાં વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ પરિવાર જનોએ ટ્રકના વીમા કંપની સામે 1 કરોડ 80 લાખનો ક્લેઇમ દાખલ કર્યો હતો. સમગ્ર કેસ પી.એસ સૈનીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરત કુમાર જી.પટેલની દલીલ કોર્ટ ગ્રાહ્ય રાખી વકીલે કોર્ટમાં પુરાવા રજૂ કરી ધારદાર દલીલ કરતા મહેસાણા કોર્ટ ટ્રકની વીમા કંપનીને 9 ટકા વ્યાજ સહિત રૂપિયા 1 કરોડ 22 લાખ 11 હજાર 491 રૂપિયા મૃતકના પરિવારજનોને ચૂકવવા હુકમ કર્યો છે.