રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ 'સૌરાષ્ટ્રની રસધાર' પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલી 'ઓળીપો' વાર્તાથી જે ગામને અમર બનાવી દીધું છે, એ રાણાવાવ તાલુકાના બાપોદર ગામના અનેક યુવાનોએ ભારતીય આર્મીમાં ફરજ બજાવી છે. એમાંના એક યુવાન એટલે રામદેભાઈ કેશવભાઈ બાપોદરા આ યુવાને ભારતીય આર્મીમાં ઓગણીસ વર્ષ સુધી ફરજ બજાવીને નિવૃત્તિ લીધી છે.
ભારતીય આર્મીમાં ઓગણીસ વર્ષ સુધી ફરજ બજાવીને નિવૃત્ત થયા બાદ બાપોદર યુવાગ્રુપ અને સમસ્ત બાપોદર ગામવતી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં એટેક માજી સૈનિક સંગઠન (પોરબંદર)ના પ્રમુખ માલદેભાઈ ઓડેદરા તથા માજી સૈનિકો સહિત મહેર શક્તિસેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ પરબતભાઇ કડેગિયા, લીલાજી ઓડેદરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બાપોદર ગામના બસસ્ટેશનની બાજુમાં આવેલા ગેટ પાસેથી રામદેભાઈ બાપોદરા અને તેના પરિવારને ખુલ્લી જીપમાં બેસાડીને તથા તેની આજુબાજુ ઘોડેસવાર જુવાનોની સવારી ગોઠવીને ગામના ચોકમાં આવેલા કુળદેવી વિહત માતાજીના મંદિર સુધી તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
અત્યંત ગરીબ પરિસ્થિતિમાંથી બહાર આવેલો યુવાન ધારે તો ઘણું બધું કરી શકે છે એ મિશાલ રામદેભાઈ બાપોદરાએ યુવાનો સમક્ષ ધરી છે.