એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે,આ અગાઉ EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ત્રણ વખત પૂછપરછ કરી હતી સાથે જ રાહુલ ગાંધીને પણ બોલાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, EDના અધિકારીઓ નેશનલ હેરાલ્ડની ઓફિસમાં હાજર છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે આ મામલામાં અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નેશનલ હેરાલ્ડ કેસમાં દેશભરમાં 14 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પણ સામેલ છે.

નેશનલ હેરાલ્ડ શું છે?

એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL) ની રચના 20 નવેમ્બર 1937 ના રોજ દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તેનો હેતુ વિવિધ ભાષાઓમાં અખબારો પ્રકાશિત કરવાનો હતો.
ત્યારબાદ અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ, હિન્દીમાં નવજીવન અને ઉર્દૂમાં કૌમી આવાઝ અખબારો AJL હેઠળ પ્રકાશિત થયા. ભલે AJLની રચનામાં પં. જવાહર લાલ નેહરુની ભૂમિકા હતી, પરંતુ તેઓ ક્યારેય તેની માલિકી ધરાવતા નહોતા. કારણ કે, 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓ આ કંપનીને ટેકો આપતા હતા અને તેઓ તેના શેરધારકો પણ હતા. 90ના દાયકામાં આ અખબારો ખોટ કરવા લાગ્યા. વર્ષ 2008 સુધીમાં, AJL પર રૂ. 90 કરોડથી વધુનું દેવું હતું. પછી AJL એ નક્કી કર્યું કે હવે અખબારો પ્રકાશિત કરવામાં આવશે નહીં. અખબારોનું પ્રકાશન બંધ કર્યા પછી, પ્રોપર્ટીના વ્યવસાયમાં આવી ગઈ.
2010માં AJL પાસે 1057 શેરધારકો હતા. નુકસાન વેઠવા પર, તેનું હોલ્ડિંગ યંગ ઈન્ડિયા લિમિટેડ એટલે કે YIL ને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. યંગ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના એ જ વર્ષે એટલે કે 2010માં થઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીના તત્કાલિન મહાસચિવ રાહુલ ગાંધી ડિરેક્ટર તરીકે જોડાયા હતા. રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીની કંપનીમાં 76 ટકા હિસ્સો છે. બાકીના 24 ટકા કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસ (બંને અવસાન પામ્યા છે) પાસે હતા.

શેર ટ્રાન્સફર થતાં જ AJLના શેરધારકો સામે આવ્યા હતા. ભૂતપૂર્વ કાયદા પ્રધાન શાંતિ ભૂષણ, અલ્હાબાદ અને મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ માર્કંડેય કાત્જુ સહિતના કેટલાક શેરધારકોએ આરોપ મૂક્યો હતો કે જ્યારે YIL એ AJLનું ‘અધિગ્રહણ’ કર્યું ત્યારે તેમને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, શેર ટ્રાન્સફર કરતા પહેલા શેરધારકોની સંમતિ પણ લેવામાં આવી ન હતી.