થરાદના લુણાલ ગામે નકળંગ દાદાના મંદિરના પટાંગણમાં બે એકર જગ્યામાં બનાસકાંઠા જિલ્લાનો સૌથી વિશાળ બગીચો નિર્માણ પામી રહ્યો છે.આ બગીચાના નિર્માણ માટે છેલ્લા બે મહિનાથી 20 લોકોની ટીમ કામે લાગી છે. આધુનિક બગીચો બનાવવા નકળંગ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ.20 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત હજારો જુદા જુદા ફુલના છોડવાઓ અને વૃક્ષોનું જતન કરાશે. જેના લીધે શુદ્ધ ઓકસિજનવાળું વાતાવરણ શ્રાદ્ધાળુઓ માણી શકશે.
થરાદ તાલુકાના લુણાલ ગામે નકળંગ મંદિરના પટાંગણમાં નિર્માણ પામનારા બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા બગીચામાં બાળકોને રમવા માટે રમત-ગમતના તમામ સાધનો પણ ઉપલબ્ધ કરાશે. તેમજ ભગવાનના દર્શન માટે આવતા યાત્રાળુ માટે પણ એક બેઠક વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત કુદરતને લગતી ઓર્ગેનિકથી બનતી સાધન સામગ્રીના સ્ટોલ બનાવવાનું, વાંચન માટે પુસ્તકાલય, આયુર્વેદિક ઔષધાલય પણ ચાલુ કરી રોજીરોટી મળે તેવા પ્રયાસો ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયા છે. રૂ.આઠ કરોડના ખર્ચે નકળંગ ભગવાનનું મંદિર તૈયાર કરાયું છે. જેમાં કારતક સુદ બીજ અને અષાઢી બીજે મહામેળો ભરાય છે. આથી દર્શનાર્થીઓને આકર્ષવા આ બગીચો બનાવામાં આવી રહ્યો છે.