બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકાર ઉપર માછલાં ધોવાયા બાદ તૃણમૂલ કોંગ્રેસે ભાજપ સામે પણ કૌભાંડની તપાસ મુદ્દે માંગ કરતા સીઆઈડીની એક ટીમે બાંકુરા ખાતે જઇ ગેરકાયદે નોકરી મામલે ભાજપના ધારાસભ્યની પુત્રીની પૂછપરછ કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસે બાંકુરાથી ભાજપના ધારાસભ્ય નીલાદ્રી શેખર દાના પર તેમની પુત્રી મૈત્રી દાનાને નાદિયા જિલ્લાના કલ્યાણી સ્થિત AIIMSમાં ગેરકાયદેસર રીતે નોકરી ઉપર રાખવાનો આરોપ લગાવી તપાસની માંગ કરી હતી.
શિક્ષક કૌભાંડ બાદ બંગાળમાં મમતા સરકાર કલંકિત થઈ ગઈ છે ત્યારે બંગાળમાં ભાજપના ધારાસભ્ય દ્વારા પણ થયેલા કૌભાંડની અટકળો વચ્ચે ભાજપના બે સાંસદો, ધારાસભ્યો સહિત કુલ આઠ લોકો પર એમ્સમાં ગેરકાયદેસર રીતે નોકરી અપાવવાનો આરોપ છે. આ અંગે કલ્યાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. નીલાદ્રી પોતે એક એડવોકેટ છે. અગાઉ, આ જ નિમણૂક કેસમાં સીઆઈડીએ ભાજપના ધારાસભ્ય બંકિમ ઘોષના ઘરે અને તેમની વહુની પૂછપરછ કરી હતી.
સૂત્રોનું માનીએ તો, ભાજપના ધારાસભ્ય નીલાદ્રી શેખર દાનાએ પોતાની પુત્રી મૈત્રી દાનાને કલ્યાણી એમ્સમાં નોકરી અપાવવા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કથિત રીતે કર્યો છે. આ મામલે સીઆઈડીના ચાર અધિકારીઓ ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી.