અમરેલી તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર) પૂ. મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે રાજયમાં તા.૨ ઓકટોબર-૨૦૨૨ થી તા.૮ ઓકટોબર-૨૦૨૨ દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના વિકાસમાં અને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં ગુજરાત રાજય મોખરાનું સ્થાન ધરાવે છે. દારૂનું સેવન તથા બીડી, સિગારેટ સહિત અન્ય કોઇપણ કુટેવોને લીધે થતાં નુકશાન સામે લોકોને જાગૃત્ત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃત્તિ લાવવાનું કાર્ય ઘનિષ્ટ કામગીરી કરવામાં આવશે. દર વર્ષે આ સપ્તાહ દરમિયાન જિલ્લાના નશાબંધી અધિક્ષકશ્રીઓ અને નશાબંધી મંડળના સંયુકત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ સંદર્ભમાં નશાબંધીનો સંદેશો રાજયના છેવાડાના વિસ્તારો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પહોંચે અને તેનો ઘનિષ્ટ પ્રચાર થાય તે હેતુથી કામગીરી કરવામાં આવી રહી છે. 

      “ આઝાદી કા અમૃત " મહોત્સવ અંતર્ગત આઝાદીમાં નશાબંધી ક્ષેત્રે ગુજરાતે પથદર્શક ભૂમિકા ભજવી છે. આ બન્નેને સાંકળીને પણ આપ અને આપની સમગ્ર ટીમ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી રાષ્ટ્રીય કક્ષાએ યશભાગી થવાનો આ અવસર છે. (૧) દરેક જિલ્લાના મુખ્ય મથકે તા.૨ ઓકટોબર-૨૦૨૨ ના રોજ નશાબંધી સપ્તાહનો ઉધ્ધાટન સમારંભ રાખવામાં આવશે. આ સમારંભમાં જે-તે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તથા મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહેશે. નશાબંધી સપ્તાહ નિમિતે યોજવામાં આવનાર સમારંભમાં રાજ્યના તાલુકા મથકો , જિલ્લા મુખ્ય મથકો તથા દરેક તાલુકા મથકો પર શાળાના વિદ્યાર્થીઓ તથા યુવાનોની પ્રભાત ફેરી, સરઘસ તથા રેલીઓ યોજવામાં આવશે. માદક પદાર્થો, સિગારેટ વગેરેના સેવન ન કરવા અને સેવનથી થતાં નુકસાન અંગે પ્રચારાત્મક સૂત્રો સાથે અગત્યના જાહેર માર્ગો પર પ્રચાર કરવામાં આવશે. માદક દ્રવ્યોથી થતાં નુકશાન અંગે લોકજાગૃત્તિ માટે વ્યસનમુક્તિ સેમિનારો ગોઠવવામાં આવશે. જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક શિક્ષકો, પ્રાધ્યાપકો, ડોક્ટરોનું નશાબંધી સંમેલન યોજી તેમને નશાબંધી પ્રચારની કામગીરીમાં સક્રિય રીતે સહભાગી બનાવવામાં આવશે. સ્થાનિક તાલુકા પંચાયતોમાં વિવિધ સ્તરોએ મહિલા પ્રતિનિધિઓના સંમેલનો યોજવામાં આવશે. જિલ્લામાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારના પોકેટમાં તથા પછાત અને નબળા વર્ગના લોકો રહેતા હોય તેવા વિસ્તારમાં ભજનના કાર્યક્રમો યોજી તે કાર્યક્રમોની સાથે નશાબંધી સંમેલનો યોજવામાં આવશે. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક કલાકારો દ્વારા કઠપૂતળીના ખેલ, જાદુના ખેલ, શાળાના વિદ્યાર્થીઓના મનોરંજન કાર્યક્રમ તથા શેરી નાટકો યોજીને લોકોને નશાબંધીના કાર્યક્રમ માટે જાગૃત્ત કરવામાં આવશે. 

    જિલ્લા કક્ષાએ સ્થાનિક ભજનિકો દ્વારા શરાબ, માદક દ્રવ્યો તથા સિગારેટ વગેરે અનિષ્ટોના સેવન ન કરવા માટે જાગૃત્ત કરતા લોકભોગ્ય બોલી અને ભાષામાં ભજનો બનાવવામાં આવે અને તેનો કાર્યક્રમ રાખવામાં આવે અને ભજનિકોને પુરસ્કાર આપવામાં આવશે. નશાબંધી સપ્તાહ દરમિયાન સ્થાનિક લોકો ઉપર પ્રભુત્વ ધરાવતા સંતો - મહંતો પણ નશાબંધીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને તે લોકોને શરાબ, માદક દ્રવ્યો, સિગારેટ વગેરેના સેવનથી મુક્ત થવા અનુરોધ કરશે. નશાબંધી કાર્યક્રમોનું આયોજન નશાબંધી મંડળ અને અધિક્ષક દ્વારા પરસ્પર સંકલન રાખીને કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન થતાં કાર્યક્રમમાં નશાબંધી મંડળ ઉપરાંત સ્થાનિક અન્ય બિનસરકારી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા લાઇન્સ તથા રોટરી કલબ તેમજ ખાદી સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકાર મેળવામાં આવશે, તેમ નશાબંધી અને આબકારી નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.