દિવેચા કોળી સમાજની માઈક વિના યોજાતી પ્રાચીન ગરબી
ભદ્રકાલી માતાજીના  ગરબે ટોપી પહેરીને રમવાની આનોખી પરંપરા


પોરબંદરમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી માટે  ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે ત્યારે છેલ્લા ઘણા વર્ષો થી યોજાતી દિવેચા કોળી સમાજની પરંપરાગત ગરબી જ્યાં માતાજીના ગરબા પુરૂષો મોતી ભરેલી વિશિષ્ટ ટોપી પહેરીને ગરબા રમે છે અને તેનું મહત્વ અનેરૂ છે. 
લીમડાચોકમાં દિવેચા કોળી સમાજ દ્વારા  અનોખી ગરબીમાં માઈક વિના માતાજીના ગુણગાન ગાવાની પરંપરા આજે પણ જળવાઈ છે. આ ગરબીમાં માત્ર પુરૂષો જ રમી શકે છે. ગરબી રમનારા પુરૂષોએ ટોપી પહેરવી ફરજીયાત છે. 
પોરબંદરની સરકારી આર.જી. ટીચર્સ કોલેજના નિવૃત પ્રિન્સીપાલ અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડાએ જણાવેલ કે મા શક્તિની ઉપાસનાથી માનવ હૃદયમાં માનવતા પ્રગટે એવા શુભ હેતુથી દિવેચા કોળી સમાજની ભદ્રકાલી માતાજી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત ૧૯૮૧માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઈ સોલંકી તથા મિત્રોએ કરી હતી. સ્વ. જાવદભાઈએ ભદ્રકાલી મતાજીના ગરબાની સ્વરચના કરી હતી. સ્વર, તાલ અને લય આ ગરબીમાં જોવા મળે છે. 
અહીં માત્ર પુરૂષો જ ગરબી રમે છે. જ્યાં માઈકનો ઉપયોગ થતો નથી. પ્રદૂષણ મુક્ત ગરબી છે અને આ ગરબી રમનારા પુરૂષો માથે મોતી ભરેલ ભાતીગળ વિશિષ્ટ પ્રકારની ટોપી ફરજીયાત પહેરે છે. તેવી સૌરાષ્ટ્રભરની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે. 
આ ગરબીમાં ડીસ્કો ધૂનમાં ફાવે તે રંગે ઢંગે કે ઢાળના ગીતો ગવાતા નથી. માત્ર ભદ્રકાળી માતાજીના ગરબા વચ્ચે ફરતા કોઈ પણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે. 
ગરબીમાં આજે પણ દિવેચા કોળી સમાજ ભદ્રકાલી માતાજી ગરબીમંડળના પ્રમુખ રામજીભાઈ સી. બામણીયાની રાહબરી હેઠળ વિવિધ ભારતીય સંસ્કૃતિને વેશભૂષામાં પણ ધોરણો જાળવી રાખ્યા છે. રામ-સીતા, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, નારદજી, ભીષ્મ પિતામહ, લવ-કુશ, હનુમાનજી જેવા અને દેવ- દેવતાના વેશો પુરૂષ ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરૂષો સાથે ગાય છે, રમે છે. આ વેશભૂષા સાથે રમતા દેવ- દેવતાઓને વાલીઓ પોતાના બાળકોમાં સંસ્કાર ઘડતર થાય તે માટે જોવા માટે બાળકો સાથે પરિવાર ભાગીદાર બને છે.