ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વૈશ્વિક ઇક્વિટી અને કરન્સી માર્કેટમાં થયેલા નુકસાન સાથે આજે રૂપિયો યુએસ ડોલર સામે 81.93ની નવી ઓલ-ટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો છે. બુધવારે સ્થાનિક ચલણ 81.93 પ્રતિ ડોલર પર ખુલ્યું હતું. સવારે 9.30 વાગ્યે, સ્થાનિક ચલણ ડોલર દીઠ 81.86 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે તેના અગાઉના 81.58ના બંધ કરતા 0.42 ટકા ઘટીને 81.86 પર હતું. શેરબજારમાં વિદેશી રોકાણકારોના વેચાણના દબાણથી પણ ટ્રેડર્સનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું. FIIએ છેલ્લા એક સપ્તાહમાં સ્થાનિક ઇક્વિટીમાં રૂ.10,000 કરોડથી વધુનું વેચાણ કર્યું છે. 

યુએસ ચલણમાં નબળાઈને કારણે 27 સપ્ટેમ્બરે મંગળવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 37 પૈસા વધીને 81.30 પર પહોંચ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 81.45 પર ખૂલ્યો હતો અને વધીને 81.30 થયો હતો. રૂપિયામાં અગાઉના બંધ ભાવની સામે 37 પૈસાનો વધારો નોંધાયો હતો. 28 સપ્ટેમ્બરે બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો.

ડોલર સામે ભારતીય રૂપિયો એક સપ્તાહથી સતત ગગડી રહ્યો છે. સોમવારના રોજ રૂપિયો પ્રતિ ડૉલર 81.55ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો વિક્રમી નીચી સપાટીએ પહોંચવાથી ક્રૂડ ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓની આયાત મોંઘી થશે જેના કારણે ફુગાવો વધુ વધશે. ફુગાવો પહેલેથી જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 6 ટકાના મહત્તમ અનુકૂળ સ્તરથી ઉપર છે.