પાવીજેતપુર તાલુકાના ઘૂટણવડ ગામે એક મહિના પહેલા બનેવીને બંદૂકના ભડાકે મોતને ઘાટ ઉતારવાના કેસમાં સહ આરોપી બીએસએફ જવાનની પાવીજેતપુર પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી છે.

       એક મહિના અગાઉ પાવીજેતપુરના ઘુટણવડ ગામે બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ પોતાના પિતાની બંદૂકના ભડાકે બનેવીની કરપીણ હત્યા કરી હતી.આ કેસમાં પોતે ઘરે હાજર ન હોવા છતાં પોતાની બંદૂક ઘરે મૂકીને જતાં બીએસએફ જવાન અંદરસિંગ બચુભાઈ રાઠવા કે જેઓ બીએસએફની ૪૨ બટાલિયનમાં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવતા હતા તેઓ સામે ગુનો નોંધાયો હતો.અને તેઓ નોકરીમાંથી રજા લઈને ઘરે કિકાવાડા આવી ગયા હતા અને છેલ્લા એક મહિનાથી વડોદરા તેમજ કિકવાડાના જંગલમાં સંતાઈને રહેતા હતા.જેની ભાળ પાવીજેતપુર પોલીસને થતા પાવીજેતપુરના પોલીસે કીકાવાડા ખાતે વોચ ગોઠવી હતી અને કિકાવાડા પહોંચીને આરોપી અંદરસિંગ બચુભાઈ રાઠવાને જંગલ તરફ આવેલી કેનાલ બાજુ જતો હતો ત્યારે પાવીજેતપુર પોલીસે અંદરસિંગ રાઠવાને ફિલ્મી ઢબે દબોચી લઇને ધરપકડ કરી હતી.

શું હતો સમગ્ર મામલો ?

  ઘુટણવડ ગામના સુનિલભાઈ રાઠવાને કિકાવાડા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.અને બન્ને પ્રેમી પંખીડાઓએ દોઢ વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.તેમ છતાં યુવતીના લગ્ન તેના પરિજનોએ અન્ય જગ્યાએ કરી દીધા હતા પરંતુ યુવતી ઘરે પાછી આવીને પ્રેમી સાથે રહેવા લાગી હતી.આ વાત યુવતીના ભાઈ સચિન રાઠવાને આંખના કણાની જેમ ખૂચતી હતી.યુવતી ના સુખી દામ્પત્ય જીવન દરમિયાન ગર્ભવતી બની હતી.ત્યારે બીજી બાજુ બહેનના પ્રેમલગ્ન ભાઈને ન ગમતા તે પોતાના બનેવી સુનીલ રાઠવાને મારવા મોડી સાંજે પોતાના પિતાની બંદૂક લઇને કિકાવાડાથી ઘૂટણવડ પોતાની બહેનની સાસરીમાં પહોંચી ગયો હતો.અને ત્યાં જઈને બુમાબુમ કરતા બહેન બનેવી ઘરની બહાર નીકળ્યા હતા અને ભાઈના હાથમાં બંદૂક જોતા તે ખેતરમાં દોડીને ભાગી ગઈ હતી અને બનેવી પણ ખેતરમાં બીજી બાજુ ભાગતો હતો ત્યારે બહેનના પ્રેમલગ્નથી અકળાયેલા સાળાએ પોતાના બનેવીને પીઠમાં બંદૂકની ગોળી મારી દીધી હતી.અને બનેવી જમીન પર ફસડાઈ પડ્યો હતો. બનેવી જમીન પર ફસડાઈ જતાં તેને માર્યો હતો,બંદૂકની ગોળીથી અને મારથી ઘાયલ થયેલ બનેવીએ ત્યાં ખેતરમાં જ દમ તોડી દીધો હતો.

    આ હત્યાકાંડમાં હત્યારા સચિન રાઠવાએ તેના પિતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો જેને લઈને પિતા અંદરસિંગ બચુભાઈ રાઠવા સામે પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ હત્યાકેસમાં સહ આરોપી બનાવ્યો હતો. જેની પાવીજેતપુર પોલીસે ધરપકડ કરી લીધી છે.