વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતમાં પીએમ મોદીનો સુરત અને ભાવનગરમાં રોડ શો પણ થશે. વડાપ્રધાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં વિવિધ કાર્યક્રમોમાં આશરે રૂ. 29,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય વિશ્વ-સ્તરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, ગતિશીલતા વધારવા અને જીવનની સરળતામાં નોંધપાત્ર સુધારો કરવાનો છે.

ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરશે. આ પછી પીએમ મોદી વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રોમાં પણ મુસાફરી કરશે. કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ પણ કરશે.

ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 36મી નેશનલ ગેમ્સનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. આ સાથે જ વડાપ્રધાન નવી બ્રોડગેજ લાઇનનો શિલાન્યાસ કરશે, જેનાથી યાત્રિકોને અંબાજી જવામાં સરળતા રહેશે. પીએમ અંબાજી મંદિરની પણ મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. આ સાથે પીએમ મોદી અમદાવાદમાં નવરાત્રી પર્વની ઉજવણીમાં પણ ભાગ લેશે.