પાટડી તાલુકાના ગેડીયા ગામના આધેડ પર મેલી વિદ્યા કરતો હોવાનું મનદુ:ખ રાખીને ગેડીયા ગામના પિતા-પુત્રએ મોટરસાયકલ પર છરી બતાવીને અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ ફેરવી પાઇપ અને છરી વડે માર મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તામાં ઉતારી દીધો હતો. આ બનાવ અંગે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ બંને અપહરણકર્તા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી તાલુકાના ગેડીયા ગામે રહેતા 62 વર્ષના હયાતખાન આલમખાન મલેક પોતાનું મોટરસાયકલ લઇને અખીયાણા ગામે રહેતી પોતાની કૌટુંબિક બહેન અમીનાબેન બાબાખાન મલેક કે જેઓ હજ પઢવા જતા હોઇ એમને મળવા જવા નીકળ્યાં હતા. ત્યારે રસ્તામાં ખેરવા ગામની સ્કુલ પાસે ગેડીયા ગામના જ ગડો રહીમખાન મલેક અને એના પિતા રહીમખાન મહંમદખાન મલેકે મોટરસાયકલ પર આવી મને ઉભો રાખી લાત મારીને મને મોટરસાયકલ પરથી નીચે પાડી દીધો હતો. અને બંને પિતા-પુત્રને પ્લાસ્ટિકના પાઇપથી ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે છરી બતાવી એમના મોટરસાયકલ પર મને વચ્ચે બેસાડી અપહરણ કરીને લઇ ગયા હતા.બાદમાં આ બંને પિતા-પુત્ર હયાતખાન આલમખાન મલેકનું અપહરણ કરી શેડલા, સિધ્ધસર અને રામગ્રી સહિતના વિવિધ ગામોમાં લઇ જઇ ઢીકાપાટુનો મુઢ માર મારી રાઇ જેવા ટુકડા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ખેરવા ગામે ઉતારી પલાયન થઇ ગયા હતા. બાદમાં એમના પરિવારજનોને જાણ કરાતા એમને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે ગેડીયા ગામના પિતા-પુત્રએ હયાતખાન આલમખાન મલેક પર મેલી વિદ્યા કરતો હોવાનું મનદુ:ખ રાખી મોટરસાયકલ પર અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા બજાણા પોલિસે બંને અપહરણકર્તા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.