ગોધરા શહેરમાં આવેલી નવરચના શાળાના આચાર્ય ફિરોઝખાન પઠાણને મિશન સ્ટેટમેન્ટ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. ભારતને વિશ્વ પ્રશિક્ષણ રાજધાની બનાવવા માટે સક્સેસ જ્ઞાનની એક વિશાળ ચળવળમાં સામેલ થનારા વિશ્વભરના ૧૬૯૩ લોકોએ ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં એક અદ્દભુત પગલું ભર્યુ છે.ત્યારે સુપર સ્પીકર સિઝન-૨ રિયાલિટી-શો ની આ વિશાળ ચળવળમાં ગોધરા શહેરના નવરચના પ્રાથમિક શાળાના આચાર્ય ફિરોઝખાન પઠાણને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળતા જિલ્લામાં આનંદની લાગણીઓ પ્રસરી જવા પામી છે. સક્સેસ જ્ઞાનનું મિશન ભારતના ટ્રેનર્સ અને કોચને વિશ્વ કક્ષાના બનવામાં મદદ કરવાનું છે, આ સ્વપ્નના પ્રથમ ભાગરૂપે પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે મિશન સ્ટેટમેન્ટ થીમ સાથે એક જ સમયે વીડિયો રજુ કરી અદભુત સિદ્ધી અને સફળતાનો હિસ્સો ૧૬૯૩ લોકો બન્યા છે. જે થીમ મુજબ ૧૫ દિવસ તમામ વીડિયોની ચકાસણી કર્યા બાદ આ અદભુત ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સમાવેશ થયો છે. શિક્ષણ, સાહિત્ય અને સામાજીક ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી અવિરત પણે સેવાઓ આપનાર ફિરોઝખાન પઠાણ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ૨૦ શિક્ષણ અને સામાજીક સેવાઓ માટે વિવિધ રાજ્યોની એન.જી.ઓ દ્વારા સન્માન મળેલું છે. સામાજીક સંદેશ આપતાં સાત પુસ્તકો તેમણે લખેલાં છે. તેમણે વ્યક્તિગત અને માર્ગદર્શક શિક્ષક તરીકે સ્પર્ધાઓમાં પાંચ વખત રાજ્યકક્ષાએ પંચમહાલ જિલ્લાનુ નેતૃત્વ કરેલું છે. તાજેતરમાં બેસ્ટ ગ્લોબલ પ્રિન્સિપાલ એવોર્ડ-૨૦૨૨ અને નોઇડા દિલ્હી ખાતે એજ્યુક્લાઉડ લિડરશીપ નેશનલ એવોર્ડ ૨૦૨૨ અને ગાજીયાબાદ આયોજીત શિક્ષા રત્ન સન્માન - ૨૦૨૨નો એવોર્ડ પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય સહિત જિલ્લા અને શહેરનું પણ નામ રોશન કર્યુ છે.