કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો અને લીલુંછમ ઘાસ ઉગ્યું પણ આ ઘાસ ખાવા માટે ગાયો બચી નથી અને પવિત્ર શ્રાવણ માસમાં ટપોટપ ગાયોના મોત થઈ રહ્યા છે તેવે સમયે ગાયોને બચાવી લેવા યુદ્ધના ધોરણે પગલાં ભરવા માંગ ઉઠી છે.
લમ્પી સ્કિન ડિસીઝને કારણે મોટી સંખ્યામાં ગાયોના મોત થઇ રહ્યા હોવાના મોબાઈલમાં કેદ કરેલા દ્રશ્યો સાથે પશુપ્રેમીઓ અને માલધારીઓ દાવો કરી રહયા હોવાછતાં તંત્ર અલગ આંકડા દર્શાવી રહ્યું છે બીજી તરફ ઠેર ઠેરથી આવી રહેલી મૃતક પશુઓની તસવીરો અને ટ્રેક્ટરમાં લઇ જવાતા મૃત પશુઓની વાસ્તવિકતા અરેરાટી ફેલાવી રહી છે જે સાચી સ્થિતિ બયાન કરે છે બીજી તરફ સરકારી પશુપાલન વિભાગ જે રિપોર્ટ જાહેર કરી રહી છે તેમાં ક્યાંકને ક્યાંક પશુઓનાં મોતના આંકડા ઓછા અપાઇ રહ્યા હોવાની બૂમરાણ ઉઠવા પામી છે.
તંત્રના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં લમ્પીથી અત્યાર સુધીમાં 1344 પશુનાં મોત, 6.63 લાખ પશુમાં રસીકરણ તેમજ 52,294 પશુમાં લમ્પીના લક્ષણો તેમજ કુલ 1843 ગામો લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત હોવાની માહિતી જાહેર કરાઇ છે. રાજકોટના 597 ગામડાંઓમાં સત્તાવાર રીતે કુલ 8,80,051 જેટલું પશુધન છે, જે પૈકી ગૌવંશની સંખ્યા 3,77,285 છે. સામે રાજકોટ જિલ્લા પશુપાલન વિભાગમાં સત્તાવાર રીતે પશુચિકિત્સકની સંખ્યા 12 છે, તેમજ હાલની સ્થિતિએ કુલ 26 કર્મચારીઓ પશુચિકિત્સક તરીકે ફરજ બજાવી રહ્યા હોઇ, ગામડાંઓમાં 49 ટીમો કાર્યરત હોવાનો દાવો થઇ રહ્યો છે.
આ સ્થિતિ વચ્ચે દૈનિક જાહેર થતા સરકારી રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 2,243 ગૌવંશમાં લમ્પીના કન્ફર્મ લક્ષણો જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સત્તાવાર રીતે લમ્પીથી 26 પશુનાં મોત નીપજ્યા છે. હજુ એક અંદાજ મુજબ અંદાજે એક લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવાનું બાકી છે. બે દિવસ પૂર્વે રસીનો સ્ટોક ઓછો હોવાનું જાહેર થયા બાદ છેલ્લા 24 કલાકમાં વેક્સિનનો જથ્થો પૂરતો હોવાનો દાવો થઇ રહ્યો છે.
જોકે,કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગામે ગામ ગાયોના મોટી સંખ્યામાં મોત થઈ રહયા છે તે વાસ્તવિકતા કઈક જુદીજ છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં ગાયો ને બચાવવા તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.