રાજ્યમાં માલધારી સમાજ દ્વારા સરકાર સામે આંદોલનના ભાગરૂપે ગાંધીનગરના શેરથામાં રવિવારે યોજાયેલા માલધારી સંમેલનમાં 21મી સપ્ટેમ્બરે દૂધ હડતાળ જાહેર કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જવાનુ નક્કી કરતા આજે ૨૧મી એ બુધવારે દૂધ માટે લોકો પરેશાન થશે.
જોકે, ગઈકાલે મંગળવારથીજ લોકોએ જરૂર મુજબ દૂધનો સ્ટોક કરી લીધો છે તેવો ને વાંધો નહિ આવે પણ જેને ખબર નથી તેવા અનેક લોકો દૂધ વગર અટવાયા હતા જોકે,કેટલીક જગ્યાએ ડેરી માંથી દૂધની થેલી મળી જતા લોકોએ હાશકારો અનભવ્યો હતો.
સુરતમાં કેટલીક જગ્યાએ દૂધ લઇ જતા વાહનોમાં તોડફોડના અહેવાલો છે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ખાસ અસર થશે,બાકી નાના ટાઉન લેવલે દૂધ મળી રહેશે તેમ વિક્રેતાઓ નું માનવું છે.
અમદાવાદમાં સાંજે જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. કેટલાક દૂધ વિક્રેતા સ્વૈચ્છિક દૂધનું વેચાણ ન કરવાનું પણ જણાવી રહ્યા છે. ત્યારે અમૂલ પાર્લર પર દૂધ મળી ગયું હોવાનું કેટલાક લોકો જણાવી રહ્યા છે. સુરતમાં દૂધનો સ્ટોક ખૂટી પડ્યો હતો અને સુમુલ ડેરીના દૂધવાહનોને માલધારીઓએ રોકી દીધા હતા. રાજકોટમાં ડેરીઓ એડવાન્સમાં દૂધ મંગાવ્યું પણ એ પણ ખલ્લાસ થઈ ગયું હતું. રાજકોટ ડેરીએ દૂધની સપ્લાયને પહોંચી વળવા સપ્લાયની વ્યવસ્થા ગોઠવી દીધી છે.
બીજી તરફ ચાની કીટલી ધરાવતા લોકોને પણ દૂધનો ઉપયોગ નહિ કરવા જણાવતા ચા બનાવતા કેટલીક દુકાનો પણ બંધ રહી હતી.
ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જતા લોકોએ દૂધનો સ્ટોક કરી લેવા માટે રાજ્યમાં ઠેર-ઠેર પડાપડી કરી હતી.
માલધારી સમાજ દ્વારા જુદા જુદા 14 મુદ્દાઓની માંગને લઈ તમામ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં દૂધનો વ્યવસાય કરતા રબારી, ભરવાડ, આહિર સમાજ સહિત દરેક માલધારી સમાજ દ્વારા સરકાર સામે તમામ મુદ્દાઓ સંતોષવામાં આવે તેવી માંગને લઈ આ સમર્થનમાં દૂધનું વેચાણ બંધ રાખવાના એલાનમાં તમામ માલધારી જોડાયા હતા.