ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે એક ખાસ સંમેલનને સંબોધન કર્યું હતું.

આ અગાઉ ગુજરાતના ગાંધીનગર ખાતે સંબોધન કર્યું હતું. ગુજરાતમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં જે.પી નડ્ડાએ સંમેલનને સંબોધ્યું હતું અને કહ્યું હતું કે સૌરાષ્ટ્ર એ સંતો અને સાવજોની ભૂમિ છે. આજે મને રાજકોટ આવવાનો અવસર મળ્યો છે. તેઓએ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકરોને એક વિશ્વાસ જાળવી રાખવા માટે કહ્યું હતું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

પોતના સંબોધનમાં જે.પી નડ્ડાએ કહ્યું હતું કે ભાજપ એ દેશની સૌથી મોટી પાર્ટી છે અને આ માટે દરેક કાર્યકરની મહેનતથી આ શક્ય બન્યું છે. આ ઉપરાંત તેમને કહ્યું હતું કે આપણે સૌએ કાગળનો ઓછો ઉપયોગ કરવા જોઈએ અને તેમને શક્ય તેટલા ડીઝીટલ માધ્યમનો ઉપયોગ કરીને કાગળનો ઉપયોગ ઘટાડવો જોઈએ. વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે જયારે કોરોનાકાળ ચાલતો હતો ત્યારે તમામ પક્ષો આઇસોલેશનમાં જતા રહ્યા હતા તેવા સમયે ભાજપના કાર્યકરોએ સેવા કરી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે વેક્સિનેશન પર પણ રાજકારણ થયું હતું તેમ છતાં પ્રધાનમંત્રી દ્વારા વેક્સિનના 2 ડોઝ લોકોને મફત આપવામાં આવ્યા હતા અને તે કામગીરી ખુબ જ સફળ રીતે થઇ હતી. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલએ પણ સંબોધન કર્યું હતું અને વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બેઠક જીતવાની આશા વ્યક્ત કરી હતી. રાજકોટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા 187 કરોડના પ્રોજ્ક્ટની ફાળવણી કરી હતી. રાજકોટના રામનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે તેમજ આજી રિવરફ્રન્ટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી હતી.