પાવીજેતપુરના ઇટવાળામાં સાત લાખ ના ખર્ચે નવીન બનેલ નંદ ઘરમાં છેલ્લા દોઢ વર્ષથી વિજ જોડાણ ન મળતા નાના ભૂલકાઓને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે.               

           એમ.જી.વી.સી.એલ અને આઇસીડીએસ બે વચ્ચે ની લડાઇ માં આખરે નાના નાના બાળકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નંદ ઘર ના વીજ જોડાણ માટે સંકલનમાં પણ ચર્ચા થઈ હોવા છતાં એમ જી વી સી એલ દ્વારા અત્યાર સુધી વીજ જોડાણ આપવામાં ના આવતા નાના નાના ભૂલકાઓને દોઢ વર્ષથી પંખા વગર ગરમી માં સેકાવું પડે છે. આંગણવાડી બહેન દ્વારા ના છૂટકે નંદ ઘરમાં બાળકોને બેસાડવાનો વારો આવ્યો છે. પાણીની સુવિધા નો પણ અભાવ જણાઇ રહ્યો છે.

        પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ના ઇટવાડામાં લાખો રૂપિયાના ખર્ચે નવીન નંદઘર બનાવવામાં આવેલું છે. પરંતું આ લાખો રૂપિયા ના ખર્ચે નવ નિર્માણ નંદ ઘરમાં વિજ જોડાણ આપવામાં આવતું નથી એનું કારણ એકજ છે, કે બોડેલી તાલુકામાં આવેલી મુઢીયારી આંગણવાડીના ૨૦૧૬,૧૭ ના વિજ બિલના સાત થી આઠ હજાર રૂપિયા બાકી હોવાના કારણે વીજ જોડાણ આપવામાં આવતું નથી. એમ જી વી સી એલ ના મનસ્વી વર્તનના કારણે વીજ જોડાણ ન મળતા પાવીજેતપુર ના ઇટવાળા ના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ નંદ ઘરમાં પાણીની પણ વ્યવસ્થા ન હોવાના કારણે નાના ભૂલકાં ઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

           રાજ્યપાલ દ્વારા નવા સુધારા હુકમ મુજબ જણાવવામાં આવ્યું છે કે વીજ ગ્રાહકને નવું વીજ જોડાણ લેવાનું થાય તો કોઈપણ જાતની એનઓસી લેવાની થતી નથી જ્યારે ખાસ મહત્વની વાત કરીએ તો સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મોટી મોટી સભાઓ કરવામાં આવે છે ત્યારે માત્ર ૮૦૦૦ રૂપિયાને લઈ એમજીવીસીએલ નંદ ઘર માં વીજ જોડાણ ન આપતા નાના નાના બાળકો સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વહીવટી તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન કરાતા આખરે નાના નાના ભૂલકાઓને એમજીવીસીએલ અને આઇ સી ડી એસ વિભાગ ને લઇ હાલાકી ભોગવવી પડી રહી છે. તો તંત્ર વહેલી તકે જાગે અને આનો કોઈ ઉકેલ લાવવામાં આવે એવી રહીશોની માંગ ઉઠી છે.