આગામી તા. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારવાના છે. તેને ધ્યાને લઇને આજે કલેક્ટર કચેરી ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ એક બેઠક આયોજન અને તૈયારીઓ અંગે યોજી હતી. તેમની સાથે આ બેઠકમાં પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, , સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણા, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકને સંબોધતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભાવનગરની ધરતી પર આવી રહ્યાં છે ત્યારે તેમનું અદકેરું સ્વાગત થવું જોઇએ. આ માટેની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા તેમણે આ બેઠકમાં કરી હતી. તેમણે લોજીસ્ટિક, વાહન વ્યવસ્થા, સેનિટેશન, પાણી, પાર્કિંગ અંગે ત્રણેય જિલ્લા વચ્ચે સંકલનથી કાર્ય કરવાં માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુણાત્મક રીતે કાર્ય કરીને વિવિધતા સાથે વડાપ્રધાનનું સ્વાગત થાય તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે શહેર અને જિલ્લામાં તે અંગેનો વ્યાપક પ્રચાર- પ્રસાર થાય તે માટે હોર્ડિંગ, બેનર, ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ તથા પૂરતાં પ્રમાણમાં પાર્કિંગ, વાહન વ્યવસ્થા વગેરે અંગે તેમણે તંત્ર વાહકોને સૂચના આપી હતી. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાનશ્રીનું સ્વાગત નાવિન્યપૂર્ણ રીતે થાય તે માટેના આયોજનોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, દૂનિયાના સૌથી લોકપ્રિય નેતા જ્યારે ભાવેણાની ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે ભાવનગરવાસીઓમાં અનોખો અને અદમ્ય ઉત્સાહ વ્યાપેલો છે અને સમગ્ર ભાવનગર જિલ્લો તે માટે આતુર છે. વડાપ્રધાન તેમની આ મુલાકાતથી એક નવી ઉર્જા ભાવનગરને મળવાની છે તેમ જણાવી તેમણે વડાપ્રધાનશ્રીને સાંભળવા, માંણવા અને જોવાં ભાવનગર જિલ્લો થનગની રહ્યો છે. વડાપ્રધાન આ મુલાકાતમાં ભાવનગર જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે તેમ જણાવી તેમણે તંત્ર સાથે આ માટે અગાઉ પણ બેઠક થઇ છે અને આજે વિસ્તૃત ચર્ચાઓ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં થઇ છે તેની વિગતો મીડિયા સાથેની વાતચીતમાં આપી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તાજેતરમાં વડાપ્રધાનશ્રીની કચ્છની મુલાકાતના અનુભવો વહેંચીને આ કાર્યક્રમને વધારે સફળ કેવી રીતે બનાવી શકાય તે માટેના સૂચનો કર્યા હતાં. આ સાથે તેમણે વડાપ્રધાનશ્રીને આવકારવાં માટે ૨ થી ૨.૫ લાખ લોકો જવાહર મેદાન ખાતે ઉમટી પડશે. આ ઉપરાંત તેમના રોડ શો માં ૫૦,૦૦૦ લોકો ઉપસ્થિત રહેશે તે રીતનું આયોજન થઇ રહ્યાની વિગતો મીડિયા સાથેની વાતચીતમાં આપી હતી. વડાપ્રધાન ભાવેણાની ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે લોકોમાં પણ તેમને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ અને ઉમંગ વ્યાપેલો છે તે સમજી શકાય તેમ છે તેમ જણાવી તેમણે વડાપ્રધાનના રંગબેરંગી સ્વાગત માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌના શ્રધ્યેય અને પ્રિય છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો આ સભામાં ઉમટી પડવાની શક્યતાને જોઈને તંત્ર દ્વારા અગાઉથી જ તે અંગેના જરૂરી પગલાઓ લેવામાં આવે તે માટેના જરૂરી સૂઝાવોની આ બેડકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર યોગેશ નિરગૂડેએ વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી દેવામાં આવી છે. તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે માઇક્રો પ્લાનિંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી વિગતો ઉપસ્થિત મંત્રીશ્રીઓ સમક્ષ રજૂ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય વિભાવરીબેન દવે, આત્મારામભાઈ પરમાર, ભીખાભાઇ બારૈયા, કેશુભાઈ નાકરાણી, મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા ભા.જ.પ.પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, શહેર ભા.જ.પ.પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્યા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, મહાનગરપાલિકા કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામક અજય દહીંયા, એસ.પી. ડો.રવિન્દ્ર પટેલ સહિતના જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ બોટાદ અને અમરેલી જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયાં હતાં.