બનાસકાંઠાના થાવરમાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું જેમાં આગામી સાત દિવસમાં વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો જેલભરો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.
બનાસકાંઠઆના ધાનેરા તાલુકાના થાવરમાં આજે અર્બુદા સેનાના યોજાયેલા સંમેલનમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડયા હતા.
સંમેલનમાં હાજર ચૌધરી સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે, વિપુલ ચૌધરી સામે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જો સાત દિવસમાં વિપુલ ચૌધરી સામેની ફરિયાદ પાછી લઈ મુક્ત કરવામાં નહિ આવે તો જો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે મળેલા આ મહાસંમેલન અગાઉ વહેલી સવારે ધાનેરાના સામરવાડા ખાતેથી થાવર ગામ સુધી 8 કિમી લાંબી બાઈક રેલી યોજાઈ હતી. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો જોડાયા હતા અને રેલી બાદ થાવર ગામે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું. જે સંમેલનમાં ફક્ત બનાસકાંઠા જ નહીં પરંતુ પાટણ, મહેસાણા સહિત સાબરકાંઠાના ચૌધરી સમાજના હજારો લોકો એકત્રિત થયા હતા.