આફ્રિકન દેશ નામિબિયાથી મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા 8 ચિત્તાના નામ સામે આવ્યા છે. આઠ ચિત્તાઓના નામ ઓબાન, ફ્રેડી, સાવન્નાહ, આશા, સિબલી, સૈસા અને સાશા છે. પીએમ મોદીએ એક માદા ચિત્તાનું નામ આશા રાખ્યું છે. જ્યારે બાકી ચિત્તાઓનું નામ નામિબિયામાં રાખવામાં આવ્યું હતું.
17 સપ્ટેમ્બરે નામિબિયાથી કૂનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓને લાવવામાં આવ્યા હતા. પીએમ મોદી એ જાતે જ પાંજરું ખોલીને તેમને છોડ્યા હતા. પહેલા દિવસે પોતાને અલગ જગ્યાએ જોઇને ચિત્તાઓ થોડા નર્વસ લાગી રહ્યા હતા. પરંતુ તેમનો વ્યવહાર સામાન્ય અને સકારાત્મક જણાતો હતો.
ચિત્તાઓ માટે જે ખાસ વાડો બનાવવામાં આવ્યો છે, તેમાં તેઓ ફરી રહ્યા છે અને સામાન્ય સ્થિતિમાં છે. ચિત્તાઓના તમામ વાઇટલ પેરામીટર સામાન્ય છે. અને તમામ 8 ચિતાઓ આરામથી સુઇ રહ્યા હતા અને ફરી રહ્યા હતા. ચિતાઓ માટે બનાવેલા વાડામાં તેમને માંસ ખવડાવવામાં આવી રહ્યું છે. હાલ પાર્ક મેનેજમેન્ટ ચિતાઓના વ્યવહાર અને આચરણથી સંતુષ્ટ છે. કૂનો મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, તેઓ સતત ચિતાઓ પર નજર રાખી રહ્યા છે અને હાલ બધુ જ બરાબર છે.
આપને જણાવી દઇએ કે દેશની ધરતી પર 74 વર્ષ બાદ ફરી એક વખત ચિત્તા નજરે પડશે. વર્ષ 1952માં દેશમાં ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી દેશની ધરતી પર ચિત્તાના આંટાફેરા જોવા મળશે. આ ચિતાઓની સારસંભાળ માટે 90 ગામના 450થી વધુ લોકોને ચિત્તા મિત્ર બનાવવામાં આવ્યા છે. તેમનું કામ ચિતાઓને શિકારીઓથી બચાવવાનું હશે.
હાલ આ ચિત્તાને 12 કિમીના વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ વાડામાં રાખવામાં આવ્યા છે. જ્યારે બધા નર અને માદા ચિતા અંદરોઅદર હળીમળી જશે, ત્યારે તેમને બહાર છોડવામાં આવશે. ચિત્તા ઝૂંડમાં રહેવાનું પસંદ કરે છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તા માટે ભોજન માટે ઘણું બધું છે. જેમ કે ચીતલ, સાંભર, નીલગાય, જંગલી ભૂંડ, ચિંકારા, ચૌસિંઘા, બ્લેક બક, ગ્રે લંગૂર, લાલ મોઢા વાળા વાંદરા, શાહી, રીંછ, શિયાળ, લકડબઘા, ગ્રે વરૂ, ગોલ્ડન શિયાળ, બિલાડીઓ, મંગૂઝ જેવા અનેક જીવનો સમાવેશ થાય છે.