કચ્છ જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થયો છે અને ભુજ શહેરનું હમીરસર તળાવ ઓવર ફ્લો થઈ ગયું છે,જોકે, જિલ્લાના દશ તાલુકામાં કુલ 170 ડેમોમાંથી હજુ સુધી 108 ડેમ જ પૂર્ણ ભરાયા છે પણ 54 જેટલા ડેમોમાં હજુ પણ ખાસ પાણી આવ્યું નથી.

વિગતો મુજબ ભુજ તાલુકામાં 35માંથી 18, અંજાર તાલુકાના 12માંથી 4, ભચાઉ તાલુકાના 18માંથી 4, રાપર તાલુકાના 16માંથી 3, માંડવી તાલુકાના 21માંથી 18, મુન્દ્રા તાલુકાના 11માંથી 9, નખત્રાણા તાલુકાના 16માંથી 15, અબડાસા તાલુકાના 24માંથી 24, લખપત તાલુકાના 17માંથી 13 ડેમો પૂર્ણ ભરાઈ ગયા છે.

હાલ જે વરસાદ પડ્યો છે તેમાં પશ્ચિમ કચ્છની સરખામણીએ પૂર્વ કચ્છમાં બહુ ઓછા ડેમોમાં પાણી આવ્યું છે, જેમાં અંજાર, ભચાઉ અને રાપર તાલુકાના ડેમોમાં હજુ પાણી ઓછું છે. બાકી પશ્ચિમ કચ્છમાં સારો વરસાદ થતાં નખત્રાણા, અબડાસા અને લખપતમાં ડેમો ભરાઈ ગયા છે અને પાણીનું સંકટ ટળ્યું છે પરિણામે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા પરિવારોમાં ખુશી પ્રસરી છે.