અત્યારસુધી સર્વશ્રેષ્ઠ હથિયારો મેડ ઈન જર્મનીનાં જ ગણાતાં હતાં. ‘જર્મન મેઇડ’ રિવોલ્વર હોય કે પિસ્તોલ, તેને ખરીદવા લાખો રૂપિયાનો ખર્ચ કરતા પણ શોખીનો ખચકાય નહીં. જોકે, હવે હથિયારોના માર્કેટમાં પણ રાજકોટની બોલબાલા રહેશે. મૂળ રાજકોટની અને હાલ મુંબઈ રહેતી પ્રીતિ પટેલ નામની મહિલા ઘરઆંગણે જ હથિયારોનું ઉત્પાદન કરવા જઈ રહી છે. તેમની સૂઝબૂઝ અને પહેલથી બનનારાં એન્ટિ-એરક્રાફ્ટ ગન સુધીનાં હથિયારો હવે ‘મેઇડ ઈન જર્મન’ નહીં, પણ ‘મેઇડ ઈન રાજકોટ’ની ઓળખ ધરાવશે. 

આ વર્ષના અંત સુધીમાં કુવાડવામાં ફેક્ટરી ધમધમશે
રાજકોટમાં હવે રિવોલ્વર, પિસ્તોલ, રાઇફલ તથા એન્ટીિ-એરક્રાફ્ટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં પ્રીતિ પટેલ આર્મ્સ ફેક્ટરી ધમધમતી કરી દેશે. આ માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે જમીન ખરીદી લીધી છે. અહીં જુદાં-જુદાં હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલિંગ થશે. પ્રીતિ પટેલ રાજકોટ સ્થિત રેસ્પિયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે, જે આ કામગીરી સંભાળશે.

સુરક્ષા એજન્સીઓને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચશે
રાજકોટે પહેલેથી જ મશીન-ટુલ્સ ક્ષેત્રે દેશ-વિદેશમાં કાઠું કાઢ્યું છે. પરંતુ હવે રાજકોટના મશીન-ટુલ્સ ઉદ્યોગમાં નવું પીછું ઉમેરાશે. કંપની હથિયાર લાઇસન્સ ધરાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, CRPF, સૈન્ય, SRPF સહિતની સુરક્ષા એજન્સીઓને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચી શકશે. પ્રીતિ પટેલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે.