ગઢડા તાલુકાના બાબરપરા ગામે રહેતી વીસ વર્ષની યુવતીએ પંદર દિવસ પહેલા પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તે પછી સુસાઈટ નોટ મળતા તેના પિતાએ ગઢડા પોલીસમાં ગામના જ યુવાન સામે મરવા માટે મજબુર કરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે સુદામડા (સાયલા) ગામે દફન કરાયેલી યુવતીની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ બનાવની વિગતો એવી છે કે, બાબરપરા ગામે રહેતા મોહનભાઈ સોલંકી પત્ની સાથે તા.01-09-22ના રોજ બહારગામ લૌકિક પ્રસંગે ગયા હતા. ત્યારે ઘરે તેમની વીસ વર્ષની દિકરી સોનલ ઉર્ફે પ્રીમલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. દરમિયાન પરિવારે પોલીસને જાણ કર્યા વગર તેમના વતન સુદામડા (તા.સાયલા) ખાતે સોનલની દફનવિધિ કરી દીધી હતી.આ દરમિયાન તા.5-9-22ના રોજ તેની ક્રિયાકર્મની વિધિ હોવાથી તા.4થીએ મોહનભાઈ જરૂરી વસ્તુઓ લેવા બાબરપરાના ઘરે ગયા હતા. ત્યારે સોનલની નોટબૂકમાંથી બેથી ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી. તેના આધારે મોહનભાઈએ ગઢડા પોલીસમાં આપેલી ફરિયાદમાં સોનલે તેમની પાડોશમાં રહેતા અનિષ નટુભાઈ મકવાણા નામના યુવાનના કારણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર સોનલે સુસાઈડ નોટમાં કરેલા ઉલ્લેખ મુજબ તેના ફોન અને મેસેજમાં બધી વિગતો છે.​​​​​​​પોલીસમાં દાખલ કરેલી એફઆઈઆરમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે, બનાવના દિવસે બપોરે એક વાગે મોહનભાઈના ફોનમાં નટુભાઈ મકવાણાનો ફોન આવ્યો હતો અને તેમણે વાત કરી હતી કે, તમારી દીકરી પ્રિમલબેન અમારા ઘરે આવીને મારા દિકરા મનિષ સાથે લગ્ન કરવાનું કહે છે. તેમજ લગ્ન ન કરાવે તો ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનું કહે છે. ત્યારબાદ સવા બાર વાગે દિકરી પ્રિમલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, પપ્પા તમે ક્યારે આવો છો ? ત્યારે તેને મેં કહ્યું હતું કે, હમણા આવીએ છીએ. બાદમાં મોહનભાઈ ઘરે પહોંચ્યા ત્યારે પ્રિમલે ફાંસો ખાઈ મોતની સોડ તાણી લીધી હતી. ગઢડા પોલીસે આ બનાવમાં સીઆરપીસી 174 મુજબ ગુનો દાખલ કરી સુદામડા ગામે દફન કરેલી સોનલબેન ઉર્ફે પ્રિમલની લાશ બહાર કાઢાવી ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ મોકલી હતી.આ બનાવમાં સોનલ ઉર્ફે પ્રિમલે લખેલી સ્યુસાઈડ નોટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, જે માણસે મારો ઉપયોગ કર્યો છે એને સજા મળવી જોઈએ. ખુન કરે એને સજા થાય તો જેના કારણે કોઈ માણસ આત્મહત્યા કરે તો એ માણસને કેમ નહીં. હું આ દુનિયા છોડું છું. પણ હું જેના કારણે જીવ ગુમાવું છું એને સજા મળવી જોઈએ. એનો નંબર એના જોડે વાત કરેલી બધી ડીટેઈલ મારા ફોનમાં છે. એને સજા આપો પછી જ મારા આત્માને શાંતિ મળશે. સ્યુસાઈડ નોટમાં કોઈ મકવાણાનો ઉલ્લેખ છે, પરંતુ લેખિતમાં કોઈની સહી જોવા મળતી નથી. યુવક સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ બનાવમાં મરનારના પિતા મોહનભાઈએ પોલીસને તા.8-9-22ના રોજ આપેલી લેખિત જાણવા જોગ અરજીમાં જણાવ્યુ છે કે, મરનારી સોનલ ઉર્ફે પ્રિમલની સગાઈ છ મહિના પહેલા મોટી મારડ (તા.ધોરાજી)ના સંજયભાઈ બથવાર સાથે થઈ હતી. અને નજીકના સમયમાં તેના લગ્ન લેવાના હતા. અનિષ નટુભાઈએ તેણીને બ્લેકમેઈલ કરવા અન્ય કોઈ રીતે દબાણ કરી મરવા મજબૂર કરી હોવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં હોવાનું આ અરજીમાં જણાવ્યું છે.