અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આદિવાસી ડોક્ટર ડો.સોનલ પાંડોર નુ કોર્પોરેટર દ્વારા અપમાન કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધિને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવમાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા તબીબ ડો , સોનલ પાંડોરને ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમભાઈ પટેલ દ્વારા જબરદસ્તીથી મોં પકડીને બોટલમાં રહેલું ગંદું પાણી પીવડાવીને અણછાજતું વર્તન કરેલ છે . એક આદિવાસી મહિલા તબીબનું આ રીતે હળહળતું અપમાન કર્યા પછી મહિલા તબીબની પોલીસ ફરિયાદ લેવામાં પણ પોલીસ તંત્ર દ્વારા ઉદાસીનતા સેવવામાં આવેલ છે , અને સમય પસાર કરીને પરાણે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે.પરંતુ અત્યાર સુધી આરોપીઓ ની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી.સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની અને આદિવાસીઓના કલ્યાણની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને વર્તમાનપત્રોમાં જાહેરાતો આપવામાં આવે છે અને બીજી તરફ આદિવાસી મહિલા ઉપર સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા જાહેરમાં અત્યાચાર ગુજારવામાં આવે છે ત્યારે સરકારની મહિલા સશક્તિકરણ અને આદિવાસી કલ્યાણની વાતો અને જાહેરાતો પોકળ અને ગેરમાર્ગે દોરનારી સાબિત થાય છે . આ સંજોગોમાં આદિવાસી સમાજ , ફતેપુરા કસૂરવાર મ્યુનિસિપલ કોર્પોરેટર અને તેમના સાદારો દ્વારા આદિવાસી મહિલા તબીબ સાથે કરવામાં આવેલ દુર્વ્યવહારને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને કસૂરવાર સામે કોઇની પણ શેહશરમ રાખ્યા વિના ઝડપથી ધરપકડ કરી નિષ્પક્ષ તપાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન બે જાતિ ( અત્યાચાર નિવારણ ) અધિનિયમ હેઠળ તથા ભારતીય દંડ સંહિતા અનુસાર સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તથા આવાં તત્વો સામે સમાજમાં દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજ વતી આપસાહેબને વિનંતિ છે. આવું આવેદનપત્રમાં જણાવ્યું હતું અને મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારી ઉપર સુધી પહોંચાડવા ની ખાતરી આપી હતી. આ સમયે દાહોદ જિલ્લાના માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાદ, આદિવાસી ટાઇગર સેના ના પ્રમુખ મેહુલભાઇ તાવીયાડ, તાલુકા બિ.ટી.પી પ્રમુખ મહેશભાઈ પારગી, સામાજિક કાર્યકર્તા રફીકભાઈ શૈખ સહિત કાર્યકર્તાઓ,આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતા.